સસ્તા અનાજની દુકાનોમાં રાજ્ય વ્યાપી અનાજ કૌભાંડનો પર્દાફાશ થતા તપાસનો રેલો મહેસાણ સહિત ઉત્તર ગુજરાત સુધી લંબાયો હતો. ત્યારે છેલ્લા 6 દિવસથી મહેસાણા જિલ્લાની 19 દુકાનો પર ગેરરીતીને શોધી પાડવા તંત્રની 7 ટિમો દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
રાજ્યમાં ગરીબો અને મધ્યમવર્ગી પરિવારના સભ્યોને અન્ન દાણા પાણી માટે કેન્દ્ર અને રાજ્ય સરકારની અન્ન યોજનાઓ દ્વારા લાભર્થીઓને અન્ન આપવામાં આવી રહ્યું છે. ગરીબોમાં મોઢાનો કોળિયો છીનવતા કેટલાક કૌભાંડીઓની હરકત તંત્રના ધ્યાને આવતા તપાસમાં રાજ્ય વ્યાપી કૌભાંડ ઝડપાયું હતું. ત્યારે રાજ્ય વ્યાપી તપાસનો રેલો ઉત્તર ગુજરાત સુધી પ્રસરતા છેલ્લા 6 દિવસથી મહેસાણા જિલ્લામાં 19 જેટલી સસ્તા અનાજની દુકાનોમાં તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મહેસાણા કલેકટર અને જિલ્લા પુરવઠા અધિકારીના માર્ગદર્શન હેઠળ મામલતદાર, શિક્ષકો અને પોલીસ સહિત મદદનીશ અધિકારીઓ અને કર્મચારીઓની જુદી જુદી 7 ટિમો બનાવી તપાસ કામગીરી કરવામાં આવી રહી છે. તંત્રની આ તપાસમાં ફિંગરપ્રિન્ટ, રેશન કાર્ડ, આધારકાર્ડ, મોબાઈલ નંબર સહિતના મુદ્દાઓ પર ભાર મૂકી તમામ દસ્તાવેજો અને ચીજ વસ્તુઓની ઊંડાણપૂર્વ તપાસ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
દુકાનદારોને ત્યાં રહેલા કે કોમ્પ્યુટર, પ્રિન્ટર, ફિંગર પ્રિન્ટ સ્કેનર વગેરે ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો અને સોફ્ટવેર, એપ્લિકેશનો સહિતની બાબતોને ધ્યાનમાં રાખી ટેક્નિકલ સ્ટાફની મદદ લઇ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે.
જિલ્લા પુરવઠા અધિકારીના જણાવ્યા અનુસાર, મહેસાણા જિલ્લામાં તપાસ કાર્યવાહીને 4 ઓગસ્ટથી તપાસ કાર્યવાહી ચાલુ છે અને હાલમાં તપાસ ચાલુ હોઈ સંપૂર્ણ તપાસ બાદ તપાસ અહેવાલની વિગતો તૈયાર થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.