મતદારોનો ફેંસલો આવી ગયો:ઉત્તર ગુજરાત ની 1242 ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં 1196 ગામોના સરપંચ અને 4463 વોર્ડના સભ્યો ચૂંટાયા

મહેસાણાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
વિસનગર - Divya Bhaskar
વિસનગર

ઉત્તર ગુજરાતની 1242 ગ્રામ પંચાયતોની રવિવારે યોજાયેલી ચૂંટણીની મત ગણતરી મંગળવારે જે-તે તાલુકા મથકે ઉમેદવારો અને ટેકેદારો માં ભારે ઉત્તેજના અને ઉત્કંઠા વચ્ચે હાથ ધરાઇ હતી. જેમાં સૌપ્રથમ વોર્ડ અને બાદમાં સરપંચના વિજેતા ઉમેદવારોના નામ જાહેર કરાયા હતા. પરિણામ આવતાં કહી ખુશી કહી ગમ જેવો માહોલ જોવા મળ્યો હતો. કડીના પંથોડામાં મતદાન ગણતરી કેન્દ્ર બહાર સમર્થકો બાખડ્યા હતા. બનાસકાંઠાના વડગામમાં વી.જે. પટેલ હાઇસ્કૂલ મતદાન મથકે લોકોના ટોળાએ દેકારો મચાવતાં પોલીસને બળપ્રયોગ કરવાની ફરજ પડી હતી.

પાલનપુર
પાલનપુર

જ્યારે જગાણા પાસે મત ગણતરી કેન્દ્ર બહાર ભીડ એકઠી થતાં પોલીસને દિવસભર દંડા લઈને પાછળ દોડવું પડ્યું હતું. આ ચૂંટણીમાં ઉ.ગુ.ના 1196 ગામોના સરપંચ માટે 4257 ઉમેદવારો અને 4463 વોર્ડ માટે 10953 ઉમેદવારો મેદાનમાં હતા.

પાટણ
પાટણ

ઉલ્લેખનિય છે કે, મહેસાણા જિલ્લાના 107 ગામોમાં 104 સરપંચ અને 362 વોર્ડ, પાટણના 157 ગામોમાં 152 સરપંચ અને 422 વોર્ડ, બનાસકાંઠાના 528 ગામોમાં 522 સરપંચ અને 4562 વોર્ડ, સાબરકાંઠાના 228 ગામોમાં 228 સરપંચ અને 882 વોર્ડ તેમજ અરવલ્લીના 222 ગામોમાં 190 સરપંચ અને 729 વોર્ડ સભ્યની મત ગણતરી મોડી રાત સુધી ચાલી હતી.

પોશીના
પોશીના

ઉત્તર ગુજરાતમાં ચૂંટણીના રસપ્રદ પ્રરિણામ, હારિજના ખાખલમાં બે મહિલા ઉમેદવાર વચ્ચે ટાઈ પડી, અઢી-અઢી વર્ષ સરપંચની સમજૂતી

 • સમી તાલુકાની સમશેરપુરામાં સરપંચ પદે હસમુખભાઈ નાડોદા માત્ર એક મતે વિજેતા જાહેર થયા બાદ હરીફે રિ-કાઉન્ટિંગ માગતાં તેઓ 14 મતે વિજય બન્યા હતા.
 • પાટણ તાલુકાના નોરતા તળપદ ગામની સરપંચની ચૂંટણીમાં ત્રણ વાર મત ગણતરી કરવી પડી હતી. જેમાં વિજયભાઈ પટેલને હરીફ રાયચંદભાઈ પટેલ સામે એક મતે વિજેતા જાહેર કરાયા હતા.
 • ચાણસ્માના ગલોલીવાસણામાં વોર્ડ નં.4માં માતા દિવાબેનનો પુત્ર દશરથભાઈ સોમાભાઈ સામે 18 મતે વિજય થયો હતો.
 • હારિજ તાલુકાના ખાખલ ગામે બંને સરપંચ પદના હરીફ ઉમેદવાર નિલાબેન શિવજી ઠાકોર અને કુંવરબેન દયાળજીભાઇ ઠાકોર વચ્ચે ટાઈ પડતાં બંને વચ્ચે અઢી-અઢી વર્ષનો ગામે સમજૂતી કરાર કરાયો હતો. જેમાં ચિઠ્ઠી ઉછાળી પ્રથમ અઢી વર્ષ માટે નીલાબેન ઠાકોરને તક અપાઇ હતી.
 • સાંતલપુર તાલુકાના જાખોત્રામાં એક મત વધારે મળતાં હરીફ રામજીભાઇ ચૌધરીએ રિ-કાઉન્ટીંગ માગ્યું, જેમાં તેઓ 13 મતે વિજેતા જાહેર થયા હતા.
 • પાટણના ગજા ગામે 71 મતથી કૌટુંબિક મોટાભાઈ પ્રતાપજી ઠાકોરને હરાવી નાના ભાઈ ઠાકોર જવાનજી સરપંચ બન્યા.
 • ખેડબ્રહ્મા દેરોલ(વા)માં સરપંચ પદે રાજેન્દ્ર પટેલ 2 મતે જીત્યા.
 • મોડાસાના ગઢામાં સરપંચની ચૂંટણીમાં દેરાણી-જેઠાણી બંને હાર્યા. 11 મહિલાઓએ ઉમેદવારી કરી હતી.
 • પ્રાંતિજના છાદરડા ગામના ધવલ પટેલ 3 મતથી સરપંચ પદે વિજયી બન્યા.
 • માલપુરની ટુણાદર ગ્રામ પંચાયતમાં મહિલા તબીબ યોગિનીબેન મહેશભાઇ બારીઆ 71 મતની લીડથી સરપંચપદે ચૂંટાઈ આવ્યા હતા.
 • વિજયનગર વોર્ડ નં.11માં વિજયનગર તાલુકા ભાજપ ઉપપ્રમુખ સામે તાલુકા ભાજપ પ્રમુખના ભાઈ વિજેતા થયા હતા.
 • વાવ તાલુકા પંચાયતના મહિલા ઉપપ્રમુખના સાસુ રામીબેન પટેલ અને વાવ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ધનજીભાઈ ગોહિલની પુત્રવધૂ રતનબેન ગોહિલની જીત થઇ હતી.
 • દાંતા તાલુકાના કાસા ગામે સાસુ-વહુને હાર આપી કેળીબેન 488 મતે જીત્યા હતા.
 • કડીના સાદરા આલુસણાના સરપંચ પદે રાજુજી ઠાકોર 6 મતે વિજેતા બન્યા.
 • સાંતલપુરના જાખોત્રામાં રિકાઉન્ટીંગ પછી હારેલા ઉમેદવાર જીતી ગયો
 • ભાભર નેશડામાં મસાજી ગેલોત એક મતથી, ગાંગુણમાં પ્રભાબેન ઠાકોર 4 મત અને સુથાર નેસડીમાં કાશીરામ પરમાર 6 મતથી સરપંચ પદે વિજેતા થયા છે.
 • થરાદ તાલુકાની ભલાસરા ગ્રામ પંચાયતના વોર્ડ નં.4ના સદસ્ય દશરથભાઈ પટેલને એકપણ મત મળ્યો ન હતો.
 • દિયોદર તાલુકાના ફાફરાળી ગામે વોર્ડ નં.3માં ટાઇ પડતાં ચિઠ્ઠી ઉછાળતાં વિનોદજી પરમારની જીત થઇ હતી.
અન્ય સમાચારો પણ છે...