મહેસાણા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતના રામદેવરા જતા મુસાફરો માટે એકમાત્ર ટ્રેન સાબરમતી- જોધપુરને જેસલમેર સુધી લંબાવાતાં લાખો શ્રદ્ધાળુઓમાં આનંદની લાગણી પ્રસરી છે. પહેલા આ ટ્રેન માત્ર જોધપુર સુધી જતી હોઇ આગળ જેસલમેર થઈ ટુકડે ટુકડે લોકોને રામદેવરા જવું પડતું હતું.
મહેસાણાના સાંસદ શારદાબેન પટેલની રજૂઆતને પગલે રેલવે મંત્રી દ્વારા 31 જુલાઈથી ગાડી નંબર 14803 જેસલમેરથી સાબરમતી તથા 1 ઓગસ્ટથી ગાડી નંબર 14804 સાબરમતીથી જેસલમેર સુધી દોડાવવા નિર્ણય કરાયો છે. ઉત્તર ગુજરાતમાંથી રામદેવરા જવા સાબરમતીથી જોધપુર (ટ્રેન નં.14804) ટ્રેન ચાલતી હતી. જે સવારે 6 વાગે જોધપુર પહોંચ્યા બાદ 7.05 વાગે જોધપુરથી જેસલમેર (ટ્રેન નં.14810) સ્વરૂપે જેસલમેર જતી હતી.
જેસલમેર 12.40 વાગે પહોંચ્યા પછી આ જ ટ્રેન 14809 નંબરથી 3.00 વાગે જેસલમેરથી પરત રાત્રે 9.10 વાગે જોધપુર આવતી હતી અને આ જ ટ્રેન 10 મિનિટ પછી જોધપુરથી 14803 નંબરથી 9.20 વાગે સાબરમતી માટે રવાના થતી હતી. આમ રામદેવરા જતા આવતા શ્રદ્ધાળુઓને જોધપુરથી રામદેવરા જવા નવી ટિકિટ અને કન્ફર્મેશનને લઇ મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો.
સંસદસભ્ય શારદાબેન પટેલના ધ્યાને આ મુશ્કેલી આવતાં તેમણે રેલ રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશને રજૂઆત કરી હતી કે આ એક જ ટ્રેન જુદા જુદા નંબરોથી 2 ભાગમાં ચાલે છે, તો તેને સળંગ એક જ ટ્રેન કરી દેવાથી ઉત્તર ગુજરાતના લોકોને રામદેવરા જવા-આવવા સીધી દૈનિક ટ્રેનનો લાભ મળી શકે તેમ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.