વિવાદ:ચાઇના ગાર્ડનથી નીકળતો ડીપી રોડ રદ કરાવવા ધમપછાડા, સત્તાપક્ષના સભ્યોમાં જ વિરોધ

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણા નગરપાલિકાની ટીપી કમિટીની બેઠકમાં અગાઉ રદ કરાયેલી અરજી નવેસરથી આવતાં ચર્ચા
  • 20મીની બેઠકના એજન્ડામાં અરજી લેવાતાં પાછલા બારણે કંઇક રંધાયાની હવા

મહેસાણા પાલિકાએ નાગલપુર વિસ્તારમાં ચાઇના ગાર્ડનમાંથી નીકળતો ડીપી રોડ રદ કરવા માટે આવેલી અરજી અગાઉ રદ કરી હતી. ત્યાં આગામી ગુરુવારે મળનારી ટીપી કમિટીની બેઠકના એજન્ડામાં ડીપી રોડ રદ કરવા નવેસરથી અરજી લેવાઇ છે. જોકે, ડીપી રોડ રદ કરવાની પાલિકાને સત્તા જ નથી અને આ અંગે સરકારમાં દરખાસ્ત કરવાની હોય છે તેવું અગાઉની અરજી અંગે પરામર્શ કરી અરજી રદ કરી દેવાઇ હતી. ત્યાં ફરી અરજી એજન્ડામાં લેવાતાં પાછલા બારણે કંઇક રંધાયાની પાલિકામાં ચર્ચા ઊઠી છે. ડીપી રોડ રદ કરવાનો મુદ્દો આવતાં સત્તાધારી પક્ષના જ સદસ્યોમાં વિરોધ ઉઠેલો છે ત્યારે ફરી આ મુદ્દે ગરમાવો થવાના સંકેતો સાંપડી રહ્યા છે.

નાગલપુરના રે.સ.નં. 319 તથા રે.સ.નં 332માંથી પસાર થતો દ્રિતીય પુનરાવર્તિત વિકાસ યોજનામાં મુકેલ 12 મીટરનો ડીપી રોડ રદ કરવા બાબતની અરજદાર જયંતિલાલ મણિલાલ પટેલની અરજી 20મી ઓક્ટોબરે મળનારી ટાઉન પ્લાનિંગ કમિટીના એજન્ડામાં લેવામાં આવી છે.

ઉલ્લેખનિય છે કે, એકાદ વર્ષ પહેલાં અરજદારની અરજીના પગલે નગરપાલિકાના ઉપપ્રમુખ સહિત આગેવાનોએ ડીપી રોડ વિકાસ માટે જરૂરી હોઇ રદ ન થઇ શકે તેમ કહી ડીપી રોડ રદ ન કરવો જોઇએ તેવો સ્પષ્ટ મત વ્યક્ત કર્યો હતો. જેને પગલે ટીપી કમિટીના સદસ્યો, પ્રાંત અધિકારી સહિતની ટીમે સ્થળ નિરીક્ષણ પણ કર્યું હતું અને બાદમાં આ અરજીનો નિકાલ કરાયો હતો.

હાઇવેને જોડતો ડીપી રોડ વિસ્તાર વિકાસ માટે જરૂરી
સૂત્રો મુજબ, નાગલપુરમાં દ્વારકાપુરી મંદિરથી શિવ બંગ્લોઝ, સંસ્કૃત બંગ્લોઝ, સરસ્વતી બંગ્લોઝ થઇ મુખ્ય અમદાવાદ હાઇવેને ટચ કરતો ડીપી રોડ છે. જેમાં સંસ્કૃત બંગ્લોઝ આસપાસ પછી ચાઇના ગાર્ડન આવે છે. વિસ્તાર વિકાસ માટે ડીપી રોડ જરૂરી હોઇ છે. ત્યાં ડીપી રોડ ખુલ્લો કરવાના બદલે રદ કરવા માટેની કવાયતથી મતમતાંતરો ઊભા થયા છે.

એનએ સાથે અરજી આવી છે, નિર્ણય નથી કરાયો
​​​​​​​જે-તે વખતે તે જગ્યાના એનએ વગરની અરજી આવેલી. હવે એનએ સાથેની નવેસરથી અરજદારની અરજી આવી હોઇ ટીપી બેઠકના એજન્ડામાં કામ લેવાયું છે. જેમાં અરજદારના કહેવા પ્રમાણે આગળ સોસાયટીઓ હોવાથી રસ્તો ખુલ્લો મળતો નથી. બેઠકમાં ઓફિસનો અભિપ્રાય લેવાશે અને સદસ્યોમાં પરામર્શ બાદ યોગ્ય નિર્ણય લેવાશે, હજુ કોઇ નિર્ણય લેવાયો નથી. - કનુભાઇ પટેલ, ટીપી કમિટીના ચેરમેન

અન્ય સમાચારો પણ છે...