મહેસાણા શહેરમાં રાધનપુર રોડ પર આવેલા મારૂતિ ફ્લેટમાં ધોળેદહાડે ચોરી થઇ હોવાની ફરિયાદ નોંધાઇ છે. સાંઇક્રિષ્ના હોસ્પિટલ સામે આવેલા મારૂતિ ફ્લેટમાં સી બ્લોકમાં ત્રીજા માળે 305 નંબરના મકાનના દરવાજાનો નકૂચો તોડી તસ્કરો સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી રૂ.1.65 લાખની મત્તા ચોરી ગયા હોવાનું બહાર આવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
શહેરના રાધનપુર રોડ પર મારૂતિ ફ્લેટમાં રહેતા દિલીપકુમાર સૂર્યપ્રકાશભાઇ આચાર્યનો પરિવાર વતન સતલાસણાના કોઠાસણા ગામે પ્રસંગમાં ગયો હતો અને તેઓ એકલા ઘરે હોઇ ગુરુવારે સવારે 9-30 વાગે ઘરે લોક કરી નોકરી ગયા હતા અને સાંજે 6-30 વાગે પરત આવ્યા ત્યારે દરવાજાનો નકૂચો તૂટેલો હતો.
તપાસ કરતાં તિજોરીમાંથી સોનાના બે તોલાના બે મંગળસૂત્ર રૂ.90 હજાર, ત્રણ બુટ્ટી રૂ. 36 હજાર, બે ઓમ રૂ.4000 તેમજ ચાંદીના બે જોડ કંદોરા રૂ.12 હજાર, બે જોડ ઝાંઝર રૂ.12 હજાર, શેરો રૂ.2000, 16 સિક્કા રૂ.5280, બે કડલી રૂ.660 અને રૂ.3000 રોકડ મળી કુલ રૂ. 1,64,940ના દાગીના ચોરી થયાનું માલુમ પડ્યું હતું.
ચોરીના આ બનાવ અંગે દિલીપકુમાર આચાર્યએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પીએસઆઇ આર.એ. બહેલીમે જણાવ્યું કે, ચોરીની તપાસ ચાલુ છે, હજુ કોઇ પગેરું મળ્યું નથી, સીસીટીવી કેમેરા ચેક કરી રહ્યા છીએ. જ્યારે સોસાયટીના રહીશોનું કહેવું છે કે, મારૂતિ ફ્લેટમાં પહેલીવાર ચોરી થઇ છે, કોઇ જાણભેદું પણ હોઇ શકે છે.
એકલવ્યનગરમાં ત્રણ મકાનમાં એક જ પ્રકારે ચોરીનો પ્રયાસ, પેટ્રોલિંગ વધારવા રજૂઆત
શુક્રવારે માનવ આશ્રમ નજીક આવેલી એકલવ્યનગર સોસાયટીમાં બે મકાનના દરવાજાના નકૂચા તૂટ્યા હતા. ત્યાં શનિવારે ત્રીજી લાઇનમાં વધુ એક મકાનના દરવાજાનો નકૂચો તૂટેલો હોવાનું ધ્યાને આવતાં સોસાયટીના રહીશોએ પોલીસને જાણ કરી પેટ્રોલિંગ વધારવા લેખિત રજૂઆત કરી હતી.
.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.