લોકડાઉન ઇફેક્ટ:લગ્નો બંધ રહેતાં ઉત્તર ગુજરાતમાં ગુલાબની ખેતીને ફટકો

મહેસાણા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગુલાબના મૂલ્યવર્ધક ઉત્પાદન તરફ વળી નુકસાનને ટાળી શકે

લોકડાઉનના કારણે છેલ્લા 40 દિવસમાં યોજાનારા લગ્નો બંધ રહ્યા છે અને હજુ આગામી દિવસોમાં યોજાનારા લગ્નો પણ બંધ રહી શકે છે. ઉત્તર ગુજરાતની 175 હેક્ટર જમીનમાં વાવેતર થયેલા ગુલાબના ફૂલનો ઉતારો લેવાનું શરૂ થયું છે. જોકે, લગ્ન પ્રસંગો નહીં યોજાતાં ગુલાબના ફૂલોના મોટા માર્કેટને અસર થતાં રૂ.17.50 લાખથી વધુનું નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે. કૃષિ નિષ્ણાતોના મતે, ખેડૂતો આ સમયગાળામાં ગુલાબના મૂલ્યવર્ધક ઉત્પાદન તરફ વળી નુકસાનને ટાળી શકે છે. ઉત્તર ગુજરાતમાં ચાલુ સિઝનમાં અંદાજે 175 હેક્ટર જમીનમાં ગુલાબનું વાવેતર કર્યું છે. છેલ્લા 10 દિવસથી ગુલાબના ફૂલોનો ઉતારો શરૂ થયો છે. સિઝન સારી રહેશે તો સિઝન પૂરી થયે 1575 મેટ્રીક ટન ફૂલનું ઉત્પાદન થવાનો અંદાજ છે. હાલમાં લોકડાઉનના કારણે લગ્ન પ્રસંગો સહિતના શુભપ્રસંગો બંધ છે અને આગામી દિવસોમાં પણ બંધ રહી શકે છે. સામાન્ય રીતે ઉનાળુ સિઝનમાં મોટાભાગના ગુલાબના ફૂલો લગ્ન સહિતના પ્રસંગોને લઇ સ્થાનિક બજારમાં જ વેચાણ થઇ જતું હોય છે. પરંતુ આ સિઝનમાં ખેડૂતોનું સ્થાનિક માર્કેટ બંધ છે. જેને લઇ ગુલાબના ફૂલો ક્યાં વેચવા તે ખેડૂતો માટે માથાના દુ:ખાવો સમાન છે. 

ગુલાબના ફૂલોનું મૂલ્યવર્ધન કરી નુકસાન અટકાવી શકાય
કૃષિ નિષ્ણાતોના મતે, આ સ્થિતિમાં ખેડૂતોએ ગુલાબના ફૂલોમાંથી બનતાં ગુલાબજળ, ગુલકંદ, શરબત અને તેલ જેવા મૂલ્યવર્ધક ઉત્પાદનો લેવા આયોજન કરવું જોઇએ. જેનાથી ખેડૂતો નુકસાનને ટાળી શકે. જો મૂલ્યવર્ધક ઉત્પાદન લેવામાં ખેડૂતો સફળ નહીં થાય તો મહેસાણા જિલ્લામાં રૂ.6 લાખ, બનાસકાંઠામાં રૂ.2.50 લાખ, પાટણમાં રૂ.4.90 લાખ, સાબરકાંઠામાં રૂ.2.80 લાખ અને અરવલ્લી જિલ્લામાં રૂ.1.10 લાખ મળી કુલ રૂ.17.30 લાખનું નુકસાન થવાનો અંદાજ છે.

અન્ય સમાચારો પણ છે...