હાલાકી:વરસાદી લાઇનોના આડેધડ પુરાણથી રોડ બેસી ગયા

મહેસાણા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
મોઢેરા ચોકડી બસપોર્ટ - Divya Bhaskar
મોઢેરા ચોકડી બસપોર્ટ
  • મહેસાણા શહેરમાં મોઢેરા ચોકડી, એરોડ્રામ રોડ, ગાંધીનગર લીંક રોડ ઉપર માટી બેસી જતાં ભૂવા પડ્યા, લોકોને હાલાકી
  • ટ્રાફિકને લઇ ઝડપથી કામગીરી આટોપવાના ચક્કરમાં મજબૂતીકરણ કર્યા વિના જ ડામરના રોડ બનાવી દેતાં ખર્ચ પાણીમાં ગયો

મહેસાણા શહેરના મોઢેરા રોડ, ગાંધીનગર લીંક રોડ, એરોડ્રામ રોડ સહિતના વિસ્તારમાં વરસાદી લાઇનો નાખ્યા બાદ ક્યુરિંગ, લેયર સાથે પૂરતું પાણી છાંટી મજબૂતીકરણ કરવાના બદલે આડધેડ માટી નાખી કામ પૂરી દેવાયું હતું. આ વરસાદી લાઇનોની માટી વરસાદમાં બેસી જતાં તેમજ ચેમ્બર આસપાસ ભૂવા પડતાં ડામર રોડ બેસી જતાં તેની પાછળનો ખર્ચ પાણીમાં ગયો છે.

એરોડ્રામ રોડ
એરોડ્રામ રોડ

મોઢેરા ચોકડી હનુમાન મંદિર નજીક વરસાદમાં ત્રણ મહિનામાં જ ચેમ્બર આસપાસ ધોવાણથી ભૂવો પડતાં તંત્ર દોડતું થઇ તરત પુરાણ કરાવ્યું હતું. મોઢેરા ચોકડી બસપોર્ટના દરવાજા પાસે સોમવારે વરસાદી લાઇન આસપાસ પાણી ઉતરતાં ધોવાણથી ભૂવો પડ્યો હતો. આવી જ હાલત માનવ આશ્રમથી ગાંધીનગર લીંક રોડ થઇ ખારી નદી સુધી નંખાયેલ વરસાદી પાણી નિકાલની અંડર ગ્રાઉન્ડ લાઇન ઉપરના રોડનું ધોવાણ થતાં સર્જાયેલા ખાડાઓનું ફરી માટી પુરાણ કરાયું છે. દરમિયાન નગરપાલિકા દ્વારા શહેરમાં વરસાદથી રસ્તાઓમાં થયેલા નુકસાનનો સર્વે શરૂ કરાયો છે.

જેમાં વોર્ડ નં.5માં એરોડ્રામ રોડમાં, વોર્ડ 6માં મહાશક્તિ ગ્રાઉન્ડથી એરોડ્રામ તરફ જતી વરસાદી લાઇન આજુબાજુ તેમજ વોર્ડ 7માં નાગલપુર સ્વામિનારાયણ મંદિરથી નેળિયા તરફના માર્ગમાં ખાડા પડ્યા છે. જ્યારે વોર્ડ નં. 9 વિસ્તારમાં મોબાઇલ કંપનીના અંડર ગ્રાઉન્ડ કેબલ નેટવર્ક પછી કરાયેલ પુરાણનું વરસાદમાં ધોવાણ થતાં માટી બેસી જવાથી વિવિધ રસ્તા ચાલવામાં જોખમી બન્યા છે.

મહેસાણા શહેરમાં મોઢેરા ચોકડી બસ પોર્ટની બહારથી પસાર થતી અંડર ગ્રાઉન્ડ વરસાદી લાઈન ઉપર ત્રણ મહિના પહેલાં જ બનાવેલા ડામરનો સર્વિસ રોડ વરસાદમાં બેસી જતાં ભૂવો પડ્યો હતો. તો મહાશક્તિ ગ્રાઉન્ડ રોડથી એરોડ્રામ તરફના રસ્તામાં વરસાદથી ધોવાણ થતાં બેસી ગયો હતો. ઉલ્લેખનિય છે કે, અંડર ગ્રાઉન્ડ પાઇપલાઇન નાખ્યા બાદ લેયર બાય લેયર કામ અને ક્યુરિંગમાં પાણી છંટકાવ કરી મજબૂતીકરણ કરવાનું હોય છે. પરંતુ ઝડપથી કામ પૂરી કરવાના ચક્કરમાં આડેધડ પુરાણ કરી દેવાયું છે.તો મોબાઇલ કંપનીએ કેબલ નાખવા જમીન ખોદ્યા પછી પુરાણ બરાબર નહીં કરતાં રોડ બેસી ગયા છે.

પાલિકા કહે છે: મોબાઇલ કંપનીને બે દિવસમાં પુરાણ કરવા સૂચના આપી છે...
નગરપાલિકા બાંધકામ શાખાના સૂત્રોએ કહ્યું કે, મોબાઇલ કંપનીની એજન્સીને બે દિવસમાં પુરાણ કરવા જાણ કરી છે, નહીં તો ડિપોઝિટ જપ્ત કરવાની કાર્યવાહી કરીશું. જ્યારે ચોમાસામાં વિવિધ રસ્તામાં ખાડા સર્વેમાં ધ્યાને આવે તેમ પુરાણ કામ હાથ ધરાયું છે.

અન્ય સમાચારો પણ છે...