હાલાકી:મહેસાણાની 13 સોસાયટીનો રોડ ઊંચો કરવા અને સ્ટ્રીટલાઇટ નાખવા રજૂઆત

મહેસાણા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રાધનપુર રોડથી મોઢેરા રોડ તરફની સોસાયટીના રહીશો હેરાન

મહેસાણાના રાધનપુર રોડથી મોઢેરા રોડ તરફ જતા માર્ગ ઉપરની પાંચોટ અને દેદિયાસણ ગ્રામ પંચાયત હદની 13 સોસાયટીઓના રસ્તામાં સ્ટ્રીટ લાઇટ, મુખ્ય રોડ ઉપર ચોમાસામાં પાણી ભરાતુ હોઇ ઊંચો ઉપાડવા તેમજ રોડ સાઇડનાં દબાણો દૂર કરવા અંગે રહીશોએ મહેસાણા તાલુકા પંચાયતમાં રજૂઆત કરી છે. શક્તિધારા સોસાયટી, સોમ્યવિલા, મણિધર, તિરૂપતિ રોયલ બંગ્લોઝ, શ્રીનાથ બંગ્લોઝ, મેહુલપાર્ક સહિતની 13 સોસાયટીઓને જોડતા મુખ્ય રોડ ઉપર સ્ટ્રીટ લાઇટની સુવિધા જ નથી.

જે અંગે રહીશોએ તાલુકા પંચાયતમાં રજૂઆત કરતાં જણાવ્યું કે, આ વિસ્તારમાં નાયબ મુખ્યમંત્રીએ વર્ષો પહેલાં રસ્તો બનાવી આપ્યો હતો. જે આજે બિસ્માર બની ગયો છે. નવી સોસાયટીઓ ઊભી થતાં મેઇન રોડ નિચાણમાં જતાં ચોમાસામાં ઢીંચણ સમા પાણી ભરાય છે. તેમજ આ રોડ ઉપર સ્ટ્રીટ લાઇટના અભાવે રાત્રે અહીંથી પસાર થતાં ચોરી કે લૂંટનો ભય રહે છે.

20 હજાર ખર્ચ પછી પણ દબાણ દૂર ન થયું
રાધનપુર રોડથી મોઢેરા રોડ તરફના પટ્ટાના મેઇન રોડમાં પૂર્વ સાઇડની સોસાયટીઓ દેદિયાસણ અને પશ્ચિમ સાઇડની પાંચોટ પંચાયતમાં આવે છે. જેના સર્વે નંબરો મુજબ માપણી કરી રસ્તા પૈકીનાં દબાણો દૂર કરવા ગ્રામ પંચાયતથી કલેક્ટર સુધી રજૂઆતો કરાઇ છે. રહીશોએ જમીન દફ્તર શાખાએ અરજન્ટ માપણી માટે રૂ.20 હજાર નિયત ખર્ચ કર્યો, માપણી કરાવી પછી સીટ બંને પંચાયતના તલાટીને ગત માર્ચમાં અપાઇ હતી.