ભાસ્કર વિશ્લેષણ:રિપીટ, નો-રિપીટ, નવા ચહેરા, કોંગ્રેસમાંથી આવેલાને ટિકિટ..ભાજપે ફરી ચોંકાવ્યા

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ઉત્તર ગુજરાતના પાંચ જિલ્લાની 27માંથી 23 બેઠકો પર ભાજપે ગુરૂવારે જાહેર કરેલા ઉમેદવારોમાં તમામ સમીકરણ સાચવી લીધા છે. જ્ઞાતિવાદ, નવા ચહેરા, રિપીટ, નો-રિપીટ અને જ્યાં ઉમેદવારોને રિપીટ કરવાથી હારવાની શકયતા હતી ત્યાં ઉમેદવાર બદલી નાખ્યા છે. વર્તમાન મુખ્યમંત્રીના મંત્રીમંડળમાં સામેલ ત્રણે મંત્રીઓને તેમની જૂની બેઠક પરથી ફરી તક અપાઈ છે. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ત્રણ નેતાઓને પણ ભાજપે વાયદા મુજબ ટિકિટ આપી છે.

સહુથી મોટી સર્જરી બનાસકાંઠામાં કરાઈ છે. 9માંથી પાંચ બેઠકો પર નવા ચહેરા છે. શંકરભાઈ ચૌધરીને વાવની જગ્યાએ થરાદથી ચૂંટણી લડવાની તક અપાઈ છે. ડીસામાં શશીકાંત પંડ્યા સામે વિરોધને જોતાં માળી સમાજમાંથી યુવાન પ્રવીણ માળીને ટિકિટ અપાઈ છે. દિયોદરમાં ઓછા વોટથી હારેલા કેશાજી ચૌહાણ પર ફરી ભરોસો કર્યો છે.

મહેસાણા જિલ્લામાં મહેસાણા, ઊંઝા, બેચરાજીના નામોએ સહુને ચોંકાવ્યા છે. ઊંઝા અને બેચરાજીમાં મોટા દાવેદારોને કાપી ઓછા જાણિતા કાર્યકરોને ટિકિટ આપી ભાજપે મોટો દાવ ખેલ્યો છે. નીતિનભાઈએ ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરતાં મહેસાણા, કડી અને વિજાપુરમાં તેમની પસંદગીના ઉમેદવારને ટિકિટ અપાઈ છે. ખેરાલુમાં અસંતોષ જોતાં જાહેરાત ન થઈ.

પાટણ જિલ્લામાં સિદ્ધપુર અને ચાણસ્મામાં પહેલાથી નક્કી થયા મુજબ જ નામો જાહેર કરાયાં છે. પાટણ અને રાધનપુરમાં ભડકો થવાની સંભાવનાને જોતાં કદાય આ વખતે સ્થાનિક ઉમેદવારને જ ટિકિટ અપાશે એવી ગણતરીએ નામોની ઘોષણા બાકી છે.

સાબરકાંઠામાં પણ હિંમતનગર બેઠક પર વર્તમાન ધારાસભ્ય રાજુ ચાવડાના નામની જાહેરાત નથી કરાઈ. એક પૂર્વ મંત્રી આ બેઠક પર પોતાનો ઉમેદવાર ઉભો રાખવા માંગે છે, એટલે અહીંયા ડખા પડ્યા છે. ઇડરમાં હિતુ કનોડિયાને લઇ અસંતોષને જોતાં જૂના જોગી રમણલાલ વોરા ફરી મેદાનમાં છે. ખેડબ્રહ્મામાં વાયદા મુજબ અશ્વિન કોટવાલને તક અપાઈ છે. અરવલ્લીની બાયડ અને મોડાસા બેઠક પર મોટા દાવેદારોને કાપી પૂર્વમાં હારેલા ઉમેદવારોને તક આપી છે. ભિલોડામાં કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા કેવળ જોષિયારાને ટિકિટ ના આપી, 2017માં હારેલા પૂર્વ આઈપીએસ પી.સી. બરંડાને જ ફરી ટિકિટ આપી છે.

અન્ય સમાચારો પણ છે...