હુકુમ:મહેસાણામાં ફાયર સેફ્ટી વિનાની 8 હાઇરાઇઝ ઇમારતો સીલ કરવા પ્રાદેશિક કમિશ્નરનો આદેશ

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 18 મીટરથી વધુ ઉંચી 7 ઇમારતના વહીવટકર્તાઓએ ફાયર સેફ્ટીની બાંહેધરી આપેલી હોઇ હાલ કાર્યવાહી ટળી
  • જેલરોડ પર ધરતીમનન પ્લાઝાના 2 માળ સીલ, બાકીનાને આજે બપોર 11 સુધીનું અલ્ટીમેટમ

મહેસાણા શહેરમાં 18 મીટરથી વધુ ઉંચાઇની રહેણાંક, કોમર્શિયલ હાઇરાઇઝ 8 ઇમારતોમાં નોટિસ પછી પણ ફાયર સેફ્ટી સુવિધા નહીં કરાતાં કે એનઓસી નહીં મેળવતાં સીલ કરવા પ્રાદેશિક કમિશ્નરે આદેશ કર્યો છે. જેને પગલે મંગળવારે મુખ્ય અધિકારી સહિતની ટીમે ગોપીનાળા બહાર જેલરોડ ઉપર આવેલા ધરતીમનન પ્લાઝામાં બે માળને સીલ કર્યા હતા. જ્યારે બિલ્ડીંગમાં ક્લિનિક સહિત 30 દુકાનદારોને બુધવારે સવારે 11 વાગ્યા સુધીમાં માલસામાન લઇ લેવા અને દવાખાનાની વૈકલ્પિક વ્યવસ્થા કરવા લેખિતમાં અલ્ટીમેટમ અપાયું હતું.

જ્યારે બાકીની 7 હાઇરાઇઝ ઇમારતોના સંચાલકોએ 45 દિવસમાં ફાયર સેફ્ટી સુવિધા કરવાની લેખિત બાંહેધરી આપેલી હોઇ હાલ પાલિકા દ્વારા આ ઇમારતો સામે સિલિંગ કાર્યવાહી કરાઇ નથી.રાજ્યમાં હાઇકોર્ટના ઓરલ ઓર્ડરને ધ્યાને લઇ પ્રાદેશિક કમિશ્નર દ્વારા પાલિકાઓને ગુજરાત રાજ્ય અગ્નિ નિવારણ અને જીવન સુરક્ષા અધિનિયમ હેઠળની જોગવાઇઓ મુજબ કાર્યવાહી કરવા આદેશ કરાયા છે. હાઇરાઇઝ રહેણાંક અને વાણિજ્ય ઇમારતોને તાકીદે સીલ કરવાની કાર્યવાહી કરવાનો આદેશ થતાં નગરપાલિકાના મુખ્ય અધિકારી અલ્પેશ પટેલ, ફાયર ઇન્સપેક્ટર હરેશ પટેલ સહિતની ટીમ દોડતી થઇ હતી.

જેમાં ચાલુ વપરાશકારોએ 24 કલાકની એક અગ્રીમ નોટિસ આપી ઇમારત ખાલી કરવાનો સમય આપવો અને ત્યાર બાદ સીલ કરવાની કાર્યવાહી કરવા આદેશ કરાયો છે. જેને પગલે મંગળવારે સાંજે કાર્યવાહી કરાઇ તી.નગરપાલિકાના ફાયર ઇન્સપેક્ટર હરેશ પટેલે કહ્યું કે, 8 ઇમારતોના વહીવટકર્તા, સંચાલકોને 22મી નવેમ્બરે આખરી નોટિસ અપાઇ હતી.

તેમાંથી 7 ઇમારતોના વહીવટકર્તાઓએ 45 દિવસમાં ફાયર સેફ્ટી સુવિધા કરવા બાંહેધરી આપેલી છે. જ્યારે ધરતીમનન પ્લાઝામાં કોઇ જવાબ કે કોઇ બાંહેધરી ન અપાતાં આજે કાર્યવાહી શરૂ કરાઇ છે. બુધવારે 11 વાગ્યા સુધીમાં સુવિધા કરવાની બાંહેધરી આપશે તો સિલિંગ અટકશે. નહીં તો 11 વાગે આખી ઇમારત સીલકરવાની કાર્યવાહી કરાશે.

અન્ય સમાચારો પણ છે...