રાજ્ય સરકાર દ્વારા તમામ સરકારી કચેરીઓની કામગીરીનું ડિજિટલાઇઝેશન કરવાના ભાગરૂપે મહેસાણા જિલ્લા પંચાયતની તમામ શાખાઓના ડોક્યુમેન્ટ અને રેકર્ડ સ્કેન કરીને અપલોડ કરવામાં આવી રહ્યા છે. એજન્સી દ્વારા હાથ ધરાયેલી આ કામગીરી અંદાજે બે વર્ષ સુધી ચાલનાર છે.રાજ્યમાં 1963થી પંચાયતી રાજ અમલમાં આવ્યું અને જિલ્લા પંચાયતની સ્થાપના થઇ ત્યારથી લઇ અત્યાર સુધીની તમામ કામગીરીના ડોક્યુમેન્ટ અને રેકર્ડને ડિજિટલ કરવાની કામગીરી રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાઇ છે.
જિલ્લા વિકાસ અધિકારી ડો. ઓમ પ્રકાશના નેજા હેઠળ જિલ્લા પંચાયતમાં આરોગ્ય, પંચાયત, મહેસુલ, ખેતીવાડી, સમાજ કલ્યાણ, હિસાબી, જનરલ, વિકાસ અને પંચાયત સહિતની 28 જેટલી શાખાઓના તમામ કાગળ, ડોક્યુમેન્ટ અને ફાઈલોને સ્કેન કરી ડિજિટલ કરવામાં આવી રહી છે.
એજન્સી દ્વારા જિલ્લા પંચાયતમાં જ હાથ ધરાયેલી રેકર્ડ ડિઝિટલ કરવાની કામગીરી માટે ડીડીઓ દ્વારા મુખ્ય નોડલ અધિકારી તરીકે એસ.કે. પટેલ સહિત ત્રણ અધિકારીની એક ટીમ બનાવાઇ છે. તેમજ તમામ શાખા અધિકારીઓને નિયત કરેલી તારીખે શાખાઓની ફાઈલો અને રેકર્ડ સ્કેનિંગ કરવા માટેની જવાબદારી પણ સોંપાઇ છે. છેલ્લા અઠવાડિયાથી ચાલુ થયેલી કામગીરી દોઢથી બે વર્ષ ચાલશે તેમ એજન્સીના સૂત્રો જણાવી રહ્યા છે.
અંદાજિત 70 લાખથી વધુ ડોક્યુમેન્ટ સ્કેન કરાશે
રેકર્ડ ડિજિટલ કરવાની કામગીરી કરતી એજન્સીના મીત ચૌધરીએ જણાવ્યું કે, જિ.પંચાયતની તમામ 28 શાખાઓના કાગળ અને ફાઈલો મળી અંદાજે 70 લાખથી પણ વધુ ડોક્યુમેન્ટ સ્કેન કરી તેને અપલોડ કરવામાં આવશે. હિસાબી શાખાના વાઉચર કે જેનો 15 વર્ષ પછી તેને પણ સ્કેન કરાશે.
રેકર્ડ ડિઝિટલ કરવાનો ફાયદો, કોમ્પ્યુટરમાંથી એક મિનિટમાં જ મળી જાય
અધિકારીઓના મતે, તમામ રેકર્ડ ડિજિટલ કરવાનો સૌથી મોટો ફાયદો એ છે કે કચેરીઓમાં આગ લાગવા સહિતની આકસ્મિક ઘટનાઓ કે પછી રેકર્ડ ગુમ થઈ જતાં ડોક્યુમેન્ટ કે પછી ફાઇલોનું રેકર્ડ મળી શકતું નથી. આ જ ડોક્યુમેન્ટ ફાઇલ સ્કેન કરીને કોમ્પ્યુટરમાં ડિઝિટલ કરેલું હોય તો માત્ર એક જ મિનિટમાં તે કોમ્પ્યુટરમાંથી મળી જાય છે.
સરકારી બાબુઓને ફાઈલો ફંફોસવી નહીં પડે
ભૂતકાળમાં કે ચાલુ સમયમાં કોઈ ઉચ્ચ અધિકારી કે પછી રાજ્ય સરકાર જિલ્લા પંચાયમાંથી કોઈપણ રેકર્ડ કે ડોક્યુમેન્ટની માગણી કરે તો સરકારી બાબુઓને ડોક્યુમેન્ટ માટે દિવસો સુધી ફાઈલો ફંફોસવી પડતી, પરંતુ હવે જિલ્લા પંચાયતનું તમામ રેકર્ડ ડિજિટલ થયા બાદ ફાઈલો ફંફોસવાની જરૂર નહીં પડે. આંગળીના ટેરવે માત્ર એક ક્લિક કરતાંની સાથે જ કોમ્પ્યુટરમાંથી જ મળી જશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.