વડનગરમાં લાયબ્રેરીથી પશુ દવાખાના સુધીના એક કરોડના ખર્ચે બનેલ 500 મીટર આરસીસી રોડ 12 મહિનામાં જ તૂટવા લાગતાં નગરસેવકે વિજીલન્સમાં તપાસ માટે રજૂઆત કરતાં ખળભળાટ મચી ગયો છે. અગાઉ તેમણે કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર કચેરી ગાંધીનગર ખાતે 19 ડિસેમ્બર 2021ના રોજ રજૂઆત કરી હતી. જેને પગલે 13 એપ્રિલે અધિકારીઓ દ્વારા રોડના કામની તપાસ હાથ ધરાઈ હતી. જોકે, ફરી તેમણે વિજીલન્સમાં રજૂઆત કરતાં ચીફ ઓફિસરને તપાસ કરી રિપોર્ટ સબમિટ કરવા તાકીદ કરી છે.
1 કરોડના ખર્ચે બનેલા આ રોડનું કામ હલકી ગુણવત્તાનું થતાં રોડની સરફેશ ઉપરથી કાંકરી ઉખડવાનું ચાલુ થઈ ગયું હતું. આ બાબતે નગરસેવક વિનોદભાઈ પટેલે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મીલીભગતથી કામગીરીમાં ભ્રષ્ટાચાર આચરાયો હોવાના આક્ષેપ સાથે કોર કટિંગ ટેસ્ટ કરવા કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર કચેરી ગાંધીનગર ખાતે 19 ડિસેમ્બર 2021ના રોજ રજૂઆત કરી હતી.
જે અન્વયે 13 એપ્રિલના રોજ અધિકારીઓ દ્વારા રોડના કામની તપાસ કરાઈ હતી. જોકે, આ તપાસથી સંતોષ ન થતાં તેમણે વિજીલન્સમાં તપાસ માટે લેખિત રજૂઆત કરતાં તકેદારી આયોગે ચીફ ઓફિસરને તપાસ કરવા આદેશ કર્યો છે. આ અંગે ચીફ ઓફિસર મનોજભાઈએ જણાવ્યું કે, તકેદારી આયોગ દ્વારા તપાસ કરી રિપોર્ટ મંગાવ્યો છે. જે અમે ઉચ્ચ કક્ષાએ મોકલી આપીશું.
એજન્સીને 20 ટકા રકમ ચુકવાઈ નથી
રોડનું કામ થયા બાદ તરત જ જે-તે ચીફ ઓફિસર દ્વારા 80 ટકા જેટલી રકમ ચૂકવી દેવાઈ હતી. ત્યાર બાદ આ મુદ્દે થયેલી રજૂઆત બાદ 20 ટકા રકમ અટકાવાઈ છે તેમ ચીફ ઓફિસરે જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.