ઉમેદવારોનું એનાલિસિસ:ગઢ છોડી હારનો સામનો કરી ચૂકેલા રમણલાલ વોરા ફરી ગઢમાં, શંકર ચૌધરીએ બીજી વખત બેઠક બદલી

મહેસાણા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઉ.ગુ.ની 23 પૈકી નવા 8 ચહેરાને બાદ કરતાં 15 બેઠકના દિગ્ગજ ઉમેદવારોનું એનાલિસિસ

ભાજપે ઉત્તર ગુજરાતની 27 પૈકી 23 બેઠકના ઉમેદવાર જાહેર કરી દીધા છે. 23 પૈકી નવા 8 ચહેરાને બાદ કરતાં 6 રિપીટ ધારાસભ્યો, 4 રિપીટ પૂર્વ ધારાસભ્યો, 2 હારેલા ઉમેદવારો અને 3 કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા છે. જેમાં ગઢ છોડી હારનો સામનો કરી ચૂકેલા રમણલાલ વોરા છઠ્ઠી વખત ઇડર બેઠકથી ચૂંટણી લડશે. જ્યારે શંકર ચૌધરીએ 1998થી અત્યાર સુધીની 6 ચૂંટણીમાં બીજી વખત બેઠક બદલી છે. રિપીટ કરાયેલા ધારાસભ્યોમાં ઋષિકેશ પટેલ વિસનગરથી ચોથી વખત, વિજાપુર બેઠકના રમણલાલ પટેલ અને કડી બેઠકના કરશન સોલંકી બીજી વખત ચૂંટણી લડશે.

રિપીટ પૂર્વ ધારાસભ્યો
1. ગઢ છોડી હારનો સામનો કરી ચૂકેલા રમણલાલ વોરા ફરી ગઢમાં

રમણલાલ વોરા અત્યાર સુધીમાં 6 વખત ચૂંટણી લડ્યા છે, જે પૈકી 5 વખત જીત્યા અને 1 વખત હાર્યા છે. ઇડર બેઠક 1995 થી 2012 સુધી 5 ટર્મ જીત્યા હતા. 2017માં ભાજપે દસાડા બેઠક પર ઉતાર્યા હતા. જેમાં કોંગ્રેસના નૌશાદ સોલંકી સામે માત્ર 844 મતથી હાર્યા હતા. ઇડર બેઠક પર હિતુ કનોડિયાને 98815 રેકોર્ડબ્રેક મત મળ્યા હતા.
2. શંકર ચૌધરીએ બીજી વખત બેઠક બદલી
શંકર ચૌધરી 5 પૈકી 4 ચૂંટણી જીત્યા છે. રાધનપુર બેઠક પર 1998થી 2007 સુધીની 3 ટર્મ જીત્યા હતા. 2012ની ચૂંટણીમાં વાવ બેઠક પર જીત મેળવ્યા બાદ 2017 માં વાવ બેઠક પરથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ વખતે થરાદ બેઠક પરથી શંકર ચૌધરી ચૂંટણી લડી રહ્યા છે. શંકર ચૌધરીએ બીજી વખત બેઠક બદલી છે.
3. ગત ચૂંટણીમાં 972 મતથી હારેલા કેશાજી ચૌહાણ દિયોદરમાં રિપીટ કરાયા
કેશાજી ઠાકોર દિયોદર બેઠક પર 2012ની ચૂંટણીમાં 20367 મતથી જીત્યા હતા. જ્યારે 2017ની ચૂંટણીમાં માત્ર 972 મતથી હાર્યા હતા. 2 પૈકી 1 વખત હારનો સામનો કરી ચૂકેલા કેશાજીને ભાજપે દિયોદરથી ફરી રિપીટ કર્યા છે.
4. 2 ટર્મની બ્રેક બાદ પૂર્વ મહિલા ધારાસભ્યને બાયડથી ભાજપે ઉતાર્યા
2002માં મેઘરજ બેઠક 23194 મતે જીતનાર ભીખીબેન પરમાર 2007ની ચૂંટણીમાં 13299 મતથી હાર્યા હતાં. નવા સિમાંકનને લઇ મેઘરજ બેઠક રદ થતાં 2 ટર્મની બ્રેક બાદ ભાજપ બાયડથી ચૂંટણી લડાવી રહી છે.

ખેડબ્રહ્મા બેઠક ભાજપ એક જ વખત જીતી છે
1. કોંગ્રેસની પરંપરાગત બેઠક મેળવવા ભાજપે પક્ષપલટો કરી આવેલા ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા

ખેડબ્રહ્યા બેઠક પર 1962 થી 2017 સુધી 13 ટર્મની ચૂંટણીમાં ભાજપ એક જ વખત 1990ની ચૂંટણી જીતી શક્યો છે. સતત 3 ટર્મથી અશ્વિન કોટવાલે આ બેઠક કોંગ્રેસને જીતાડી છે. કોંગ્રેસની પરંપરાગત બેઠક પર જીત મેળવવા ભાજપમાં આવેલા અશ્ચિન કોટવાલને ટિકિટ આપી છે.
2. હાર-જીતના ઉતાર- ચડાવનો સામનો કરી રહેલા બલવંતસિંહ સિદ્ધપુરથી લડશે
બલવંતસિંહ રાજપૂત 1998થી 2012 સુધીની 4 ટર્મ સિદ્ધપુર બેઠક પરથી કોંગ્રેસ તરફથી ચૂંટણી લડ્યા હતા. જેમાં 2 વખત જીત અને 2 વખત હારનો સામનો કરવો પડ્યો હતો. જોકે, પક્ષપલટા બાદ ભાજપે બલવંતસિંહને ફરી સિદ્ધપુર બેઠકની ટિકિટ આપી છે.
3. મણિલાલ વાઘેલા પક્ષપલટા બાદ ફરી વડગામથી ચૂંટણી લડશે
મણિલાલ વાઘેલાએ 2012ની ચૂંટણીમાં 21839 મતની લીડ સાથે વડગામ બેઠક કોંગ્રેસને જીતાડી હતી. જોકે, 2017ની ચૂંટણીમાં જીજ્ઞેશ મેવાણી સામે કોંગ્રેસે પોતાનો ઉમેદવાર ન ઉતારતાં મણિલાલ વાઘેલાને ઇડરથી ચૂંટણી લડાવી હતી. જેમાં તેમની હાર થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...