ટેન્ડર મંજૂર:મહેસાણામાં 2.63 કરોડના ખર્ચે વરસાદી લાઇનો નખાશે

મહેસાણા4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નગરપાલિકાની કારોબારી સભામાં માનવ આશ્રમ અને મોઢેરા રોડ પર વરસાદી પાણી નિકાલની લાઇનનાં ટેન્ડર મંજૂર
  • વરસાદી લાઇનોનાં કામ 30 એપ્રિલ સુધી પૂર્ણ કરવા ડેડલાઇન નક્કી કરાઇ, 6.10 કરોડનાં સીસી રોડનાં કામોનાં ટેન્ડરો પણ મંજૂર કરાયાં

મહેસાણા શહેરમાં સોમનાથ ચોકડીથી માનવ આશ્રમ થઇ ખારી નદી સુધી અંદાજે રૂ. 2.21 કરોડના ખર્ચે તેમજ મોઢેરા રોડ પર અવસર પાર્ટી પ્લોટથી રાધે એકઝોટીકા સુધી અંદાજે રૂ. 42.17 લાખના ખર્ચે વરસાદી પાણીના નિકાલની લાઇન નાખવાનું કામ બુધવારે મળેલી કારોબારી સમિતિની બેઠકમાં મંજૂર કરાઇ હતી. જેમાં એજન્સીને આગામી 30 એપ્રિલ સુધીમાં વરસાદી લાઇનના બંને કામો પૂર્ણ કરી દેવાની શરત સાથે કામ સોંપવા નિર્ણય લેવાયો હતો. ઉલ્લેનિય છે કે, આ બંને વિસ્તારમાં દર ચોમાસામાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાના કારણે આસપાસની સોસાયટીના રહીશોને પારાવાર મુશ્કેલીઓ સર્જાય છે. ત્યારે હવે વરસાદી લાઇન નાંખવાનો માર્ગ મોકળો બનતાં કામ સમયસર પૂર્ણ થાય તો આગામી ચોમાસામાં આ સમસ્યાથી રાહત મળી રહેશે.

કારોબારી સમિતિની બેઠક બાદ ચેરમેન કૌશિક વ્યાસે કહ્યું કે, આગામી ચોમાસામાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા ન સર્જાય એટલે તે પહેલાં એપ્રિલ સુધીમાં કામગીરી પૂર્ણ કરવાની શરતે એજન્સીઓને કામ સોંપાશે. ઉપરાંત, બેઠકમાં રૂ. 6.10 કરોડમાં વિવિધ સીસી રોડના કામોમાં આવેલા ટેન્ડરોમાં પરામર્શના અંતે એજન્સીના ભાવ મંજૂર કરાયા છે. ચીફ ઓફિસર અલ્પેશ પટેલે કહ્યું કે, આંબેડકર બ્રિજથી માનવ આશ્રમ, ખારી નદી સુધી મેઇન વરસાદી લાઇન નાંખવાની હોઇ આસપાસ ભરાતાં પાણીના સ્પોટને ચેમ્બરમાં આવરી લેવાશે.

પાઇપલાઇન રિપેરિંગનું ટેન્ડર 14 ટકા ઊંચા ભાવે અપાયું
શહેરમાં પીવાના પાણીની પાઇપ લાઇનોનું લીકેજ રિપેરિંગ અને નવી લાઇનો નાખવાના વાર્ષિક કોન્ટ્રાક્ટના રી-ટેન્ડરમાં નગરપાલિકાની અપસેટ કિંમત રૂ.1.50 કરોડ કરતાં એજન્સીએ 35.35 ટકા વધુ એટલે કે રૂ.2.03 કરોડનો ભાવ આપ્યો હતો. પહેલા પ્રયત્નના આ ટેન્ડરમાં એજન્સીના ભાવ પાલિકા કરતાં નેગોસીએશન પછી પણ 14 ટકા ઊંચા રહેતા હોઇ પાલિકાએ રી-ટેન્ડરનો નિર્ણય કર્યો હતો.

પરંતુ, રી-ટેન્ડરમાં બમણા કરતાં વધુ ઊંચા ભાવ આવતાં હવે કારોબારીમાં ગત પ્રોસેડિંગમાં સુધારો કરી પ્રથમ પ્રયત્નની એજન્સીથી આ કામ કરાવવા નિર્ણય લેવાયો હતો. જ્યારે ટીબી રોડ પર ઓવરહેડ ટાંકી બનાવવામાં એજન્સીના 60 ટકા ઊંચા ભાવ હોઇ પાણી પુરવઠા બોર્ડનો અભિપ્રાય મેળવી પાલિકા એજન્સી નક્કી કરશે.

રૂ.3.39 કરોડનું ડમ્પિંગ સાઇડ ડેવલપનું ટેન્ડર મુલત્વી રખાયું
​​​​​​​રૂ.3.39 કરોડના ખર્ચે ડમ્પિંગ સાઇડ કમ્પાઉન્ડ વોલ, ટોયલેટ બ્લોક, સીસીરોડ, સિક્યુરિટી કેબિન બનાવવાનું કામ હાલ પૂરતું મુલત્વી રાખ્યું છે. આ કામ ડમ્પિંગ સાઇડમાં વર્ષો જૂના એકઠા થયેલા કચરા નિકાલની કામગીરી શરૂ થશે ત્યારે તેની સાથે સાથે ડમ્પિંગ સાઇડ કમ્પાઉન્ડ વોલ વગેરે કામો શરૂ કરાશે. રૂ.એકાદ કરોડના ખર્ચે કચરા નિકાલનો એસ્ટીમેટ તાંત્રિક મંજૂરી કક્ષાએ છે.

અન્ય સમાચારો પણ છે...