હાલાકી:મહેસાણા મામલતદાર કચેરીમાં વિધવા બહેનોની હયાતીની ખરાઇ માટે લાઇનો

મહેસાણા6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હયાતીની ખરાઇ આંગણવાડી કાર્યકર મારફતે કરાવવા પ્રાંત અધિકારીની સૂચના

માસિક રૂ.1250ની વિધવા સહાય યોજનાનો લાભ મેળવતી બહેનોએ દર વર્ષે હયાતીની ખરાઇ કરાવવાની હોય છે. અત્યાર સુધી ગામની આંગણવાડી કાર્યકર પાસે હયાતીની ખરાઇ કરાવાતી હતી, પરંતુ હવે મામતલદાર કચેરી સુધી લાંબા થવું પડે છે. સોમવારે મહેસાણા મામલતદાર કચેરીમાં 100થી વધુ વિધવા બહેનો હયાતીની ખરાઇ કરાવવા કલાકો સુધી સમાજ સુરક્ષા શાખા આગળ લાઇનમાં ઊભેલી જોવા મળી હતી. વિધવા બહેનો માટે ગામડામાં જ આ વ્યવસ્થા કરાય તેવી માંગ ઉઠી છે.

મહેસાણા મામલતદાર કચેરીએ સમાજ સુરક્ષા શાખામાં ફરજ પરના કર્મચારીએ મોબાઇલ એપમાં હયાતી ખરાઇની કામગીરી સવારે 9 વાગ્યાથી ચાલુ કરી હતી, બપોરે લોબી સુધી લાઇન લાગી હતી. જે-તે વખતે ગામડામાં આંગણવાડી કાર્યકરોને વિધવા હયાતી ખરાઇની કામગીરી કરવા આદેશ થયો હતો, પરંતુ કામ કરતાં ન હોઇ વિધવા બહેનોને મામલતદાર કચેરી સુધી લાંબા થવું પડી રહ્યું છે.

સોમવારે મામલતદાર કચેરીમાં વિધવા બહેનોની ભીડ સર્જાતાં સાંજે પ્રાંત અધિકારી એમ.બી. પ્રજાપતિએ સંબંધિત વિભાગના અધિકારીઓની બેઠક યોજી હતી. જેમાં મામલતદાર ઉર્વિશ વાળંદ, સમાજ સુરક્ષા અધિકારી, મહિલા અને બાળ વિકાસ અધિકારી, આઇસીડીએસ ઘટક 3ના અધિકારી ઉપસ્થિત રહ્યા હતા અને ફરી ગ્રામ્ય કક્ષાએ આંગણવાડી કાર્યકર મારફતે વિધવા બહેનોની હયાતી ખરાઇની વ્યવસ્થા કરવા સૂચના અપાઇ હતી

શરૂઆતના બે-ત્રણ વર્ષ હયાતી ખરાઇ કરાવી ન હોય તો પણ સહાય ચાલુ રહેશે : મામલતદાર
વિધવા સહાય યોજનાની જે બહેનોની શરૂઆત છે તેમણે બે-ત્રણ વર્ષ હયાતી ખરાઇ કરાવી ન હોય તો પણ સહાય ચાલુ રહેશે. મામલતદાર કચેરી દ્વારા જે-તે ગામમાં વિધવા બહેનોની યાદી આંગણવાડી કાર્યકરોને પહોંચાડવામાં આવશે અને આંગણવાડી કાર્યકરો સામેથી ગંગાસ્વરૂપ બહેનોનો સંપર્ક કરી હયાતીની ખરાઇ કરી આપશે. આ અંગે સુચના અપાઇ છે. કેટલીક બહેનો એક વર્ષ પૂર્ણ થયું ન હોવા છતાં હયાતીની ખરાઇ માટે આવે છે, આવી ઉતાવળ જરૂરી નથી, સહાય બંધ થશે નહીં. - ઉર્વિશ વાળંદ, મહેસાણા ગ્રામ્ય મામલતદાર

અન્ય સમાચારો પણ છે...