તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકારણ:પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી કીર્તિસિંહનું સસ્પેન્શન રદ થતાં વિરોધ વંટોળ

મહેસાણા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ટિકિટ વહેંચણીમાં ગરબડ મામલે સસ્પેન્ડ કરાયા હતા
  • પ્રદેશ કોંગ્રેસ શિસ્ત સમિતિએ સસ્પેન્શન રદ કરવાનો નિર્ણય લીધો

મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અને પ્રદેશ મહામંત્રી કીર્તિસિંહ ઝાલાનું સસ્પેન્શન રદ કરવાનો પ્રદેશ સમિતિની શિસ્ત સમિતિએ નિર્ણય કર્યો છે. ચાર માસ પહેલાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી સમયે ટિકિટ વહેંચણીથી લઈને મેન્ડેટ ફાળવવામાં ભ્રષ્ટાચાર થયાના આક્ષેપો થતાં પ્રદેશ સમિતિએ સસ્પેન્ડ કરી દીધા હતા. નગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી સમયે મહેસાણા જિલ્લામાં કીર્તિસિંહ ઝાલા સામે ટિકિટ વહેંચણી અને ઉમેદવારોને મેન્ડેટ આપવા બાબતે ભ્રષ્ટાચાર કરાયો હોવાનો ઓડિયો ક્લીપ ફરતી કરી હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા પ્રદેશ કોંગ્રેસને રજૂઆત કરાઈ હતી.

આ રજૂઆત બાદ કીર્તિસિંહ ઝાલાએ કોરા કાગળ ઉપર સ્વ હસ્તાક્ષરે પ્રદેશ પ્રમુખને રાજીનામું મોકલી આપ્યંુ હતું. જોકે, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કીર્તિસિંહ ઝાલાને જિલ્લા પ્રભારી પદેથી તેમજ પ્રદેશ મહામંત્રી પદેથી સસ્પેન્ડ કરી દીધા હતા. ચાર મહિના બાદ પ્રદેશ કોંગ્રેસ સમિતિની શિસ્ત સમિતિ દ્વારા જિલ્લા પ્રમુખને બોલાવી રૂબરૂ સાંભળ્યાનો દાવો કરી કીર્તિસિંહ ઝાલાનું સસ્પેન્શન રદ કરવા નિર્ણય કરાયો છે.

એક સપ્તાહ અગાઉ લેવાયેલા નિર્ણયની જિલ્લાના અગ્રણીઓને હવેથી જાણ થતાં તેમનું સસ્પેન્શન રદ થવાના નિર્ણય સામે વિરોધ વંટોળ ઉઠે તેવી શક્યતા છે. આ મામલે જિલ્લા કાર્યકારી પ્રમુખ માનસિંહ ઠાકોરે કહ્યું કે, પ્રદેશ સમિતિ દ્વારા તેમને જાણ કરાઈ છે. બાકી વિગતોની તેમને જાણ નહીં હોવાનું કહ્યું હતું.

કાર્યકરોની રજૂઆતોને અવગણવામાં આવ્યાનો કચવાટ
જિલ્લાના પ્રદેશ કોંગ્રેસના એક આગેવાને નામ નહીં દેવાની શરતે જણાવ્યું કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણી સમયે કીર્તિસિંહ સામે ટિકિટ વહેંચણી અને મેન્ડેટ ફાળવવા અંગે ભ્રષ્ટાચાર કર્યાની ફરિયાદો થઈ હતી. જ્યારે કેટલાક કાર્યકરોએ ઓડીયો ક્લીપ પણ વાયરલ કરી હતી. કીર્તિસિંહ ઝાલા પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીના નજીકના માણસ હોવાથી કાર્યકરોની રજૂઆતોને અવગણીને સસ્પેન્શન રદ કરાયુ છે. પરંતુ, આ બાબતની જિલ્લાના હોદ્દેદારો અને કાર્યકરોને જાણ થતાં પ્રદેશ સમિતિના નિર્ણયના વિરોધમાં સંમેલન કરવા તૈયારી શરૂ કરી છે. તો કેટલાક આગેવાનો પ્રદેશ પ્રમુખને આ નિર્ણયનો ફેરબદલ કરવા રજૂઆત કરે તેવી પણ સંભાવના છે.

અન્ય સમાચારો પણ છે...