મહેસાણા શહેરમાં ટીબી રોડ પર પ્રજાપતિ વાડી અને માર્કેટયાર્ડ પાછળ બ્રહ્માણી માતા મંદિર પાસેથી પસાર થતી રેલવે લાઇન નીચે અંડરપાસ બનાવી સિટી-1 અને 2ને જોડતા નવા શોર્ટકટ રસ્તા માટે રેલવે વિભાગ અને નગરપાલિકા દ્વારા સંયુક્ત પ્રોજેક્ટ તૈયાર કરાઇ રહ્યો છે. જેમાં રેલવે વિભાગ દ્વારા બે અંડરપાસ માટે કુલ રૂ.40.15 કરોડ ખર્ચનો એસ્ટીમેટ આપ્યા બાદ પાલિકાએ તે મુજબ પ્રોજેક્ટની સૈદ્ધાંતિક મંજૂરી માટે ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપનીના એમડીને દરખાસ્ત કરાઇ છે.
શહેરમાં ટ્રાફિકનું ભારણ ઘટાડવા તેમજ વાહનચાલકો માટે સિટી-1 અને 2ને જોડતા વધુ એક રસ્તાના નિર્માણ માટે બ્રહ્માણી મંદિર રોડ નજીક મહેસાણા-જગુદણ રેલવે લાઇન પર અંડરપાસ તેમજ ટીબી રોડ પ્રજાપતિ વાડી નજીક મહેસાણા-વિરમગામ રેલવે લાઇન પર અંડરપાસની માંગણી રેલવે વિભાગે મંજૂર કર્યા પછી ખર્ચ એસ્ટીમેટ સાથેની પ્રક્રિયા નગરપાલિકા મારફતે ગાંધીનગર જીયુડીસી સુધી પહોંચી છે.
જેમાં બ્રહ્માણી નગર અંડરપાસ માટે રૂ.29.79 કરોડ અને પ્રજાપતિ વાડી પાસે અંડરપાસ માટે રૂ.10.36 કરોડનો ખર્ચ અંદાજાયો છે. નોંધનિય છે કે, આ બંને સ્થળે રેલવે અંડરપાસ બનવાથી હાલ પ્રજાપતિ વાડીથી બ્રહ્માણી મંદિર રોડ સુધીનું અંતર બે કિલોમીટર થાય છે. જે માત્ર 500 મીટર થઇ જશે. જેના કારણે ભમ્મરીયા નાળામાં પણ ટ્રાફિક ભારણ ઘટશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.