ટ્રાફિકજામ:મહેસાણા માલગોડાઉન વિસ્તારમાં દરરોજ બપોરે 12 વાગ્યા સુધી ટ્રાફિકજામની સમસ્યા

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
માલ ગોડાઉન રોડ ઉપર સવાર પડે ને વકરતી જતી ટ્રાફિકની સમસ્યા - Divya Bhaskar
માલ ગોડાઉન રોડ ઉપર સવાર પડે ને વકરતી જતી ટ્રાફિકની સમસ્યા
  • ટ્રાફિક પોલીસ સમય કાઢીને હાઇવે પરથી અહીં પણ લમણો વાળે, સવારે ટ્રકો આવતા જ ચક્કાજામ થાય છે

મહેસાણા માલ ગોડાઉન રોડ અને વિસ્તારમાં સવારના સમયે સર્જાતી ટ્રાફિક સમસ્યા ઉકેલવા છેલ્લા ઘણા સમયથી ટ્રાફિક પોલીસને સમય મળ્યો હોય તેવું લાગતું નથી. અહીંથી પસાર થતા વાહન ચાલકો કહી રહ્યા છે કે ટ્રાફિક પોલીસ સમય કાઢી માલ ગોડાઉન વિસ્તારમાં પણ આંટો મારે તો સારું..! રોજ સવાર પડેને સર્જાતી ટ્રાફિક સમસ્યાથી વાહન ચાલકો તો ઠીક સ્થાનિક રહીશો પણ કંટાળી ગયા છે.

ભમરિયા નાળાથી માલ ગોડાઉન તરફ જતા રોડ પર સવારે 12 વાગ્યા સુધી સર્જાતી ટ્રાફિક સમસ્યાને લઈ વાહન ચાલકો હેરાન થાય છે. તેમ છતાં માત્ર રાધનપુર રોડ અને ડેરી રોડ જેવા વિસ્તારોમાં તેમજ ભમરિયા નાળાની ગંજ બજારની એક સાઇડમાં માત્ર 50 ડગલાં જ દૂર ઊભા રહેતા ટ્રાફિકના પોલીસ કર્મીઓ નાળાની બીજી સાઈડમાં ટ્રાફિક સંચાલન કરતા નથી. જેને લઇ ટ્રાફિક સમસ્યા વકરતી જાય છે. એમાંય નાળાથી માલ ગોડાઉન તરફ જતા રોડ પર સવારે માલ ઉતારવા આવતી ટ્રકો અને ખરીદી કરવા આવતા લોકોના વાહનો પણ રોડ પર જ પાર્ક થવાથી પસાર થવું મુશ્કેલ હોય છે.

માગણી |એફસીઆઇ ગોડાઉનની બહાર ઉભી રહેતી ટ્રકોને પણ પોલીસ લોક મારી કાર્યવાહી કરે
મોઢેરા રોડ પર એફસીઆઇ ગોડાઉનની બહાર ટ્રકોની લાગતી લાંબી લાઈનોને પરિણામે સર્જાતા ટ્રાફિકજામની સમસ્યાથી સ્થાનિક રહીશો અને વાહન ચાલકો તોબાહ પોકારી ચૂક્યા છે. ત્યારે શહેરમાં ગમે તે વિસ્તારમાં રોડ પર ઉભેલા વાહનને લોક મારતી ટ્રાફિક પોલીસને રોડ પર જ જાહેરમાં ઊભી રહેતી આ ટ્રકોની લાઈન નહીં દેખાતી હોય..?ના પ્રશ્ન સાથે કાયદો બધા માટે સરખો હોય એટલે રોડ પર ઉભી રહેતી આ ટ્રકોને પણ ટ્રાફિક પોલીસ લોક મારે અને કાર્યવાહી કરેલી માગણી સ્થાનિકો કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...