ઇતિહાસ રચ્યો:પ્રિશાએ પાચનશક્તિ વધારવા સ્વિમિંગ શરૂ કર્યું, રાજ્ય કક્ષાએ સ્વિમિંગની ત્રણેય સ્પર્ધામાં ગોલ્ડમેડલ મેળવ્યો

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણાની પ્રિશા રાજ્ય કક્ષાની તરણ સ્પર્ધામાં પ્રથમ

સુરતમાં તાજેતરમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત યોજાયેલી ગુજરાત રાજ્ય શાળાકીય સ્વિમિંગ સ્પર્ધામાં મહેસાણાની એકમાત્ર સ્વીમર પ્રિશા પ્રજાપતિએ રાજ્ય કક્ષાએ ત્રણેય ઇવેન્ટ 100 મીટર બટર ફ્લાય, 200મીટર બટર ફ્લાય અને 400 મીટર IMમાં પ્રથમ આવી ત્રણ - ત્રણ ગોલ્ડ મેડલ મેળવી ઈતિહાસ રચ્યો છે. છેલ્લા 15 વર્ષમાં મહેસાણા ના કોઈ ખેલાડીએ સ્વિમિંગમાં ત્રણ ગોલ્ડ મેડલ મેળવ્યા નથી. પ્રિશાએ 5 વર્ષની ઉંમરે સ્વિમિંગ તેની પાચનશક્તિ મંદ હોવાથી શરૂ કર્યું હતું, ત્યાર બાદ 2014ના ખેલ મહાકુંભથી મેડલોની હારમાળા સર્જતી આવી છે.

અત્યાર સુધી પ્રિશાએ ખેલ મહાકુંભમાં પણ 18 મેડલ સાથે વ્યક્તિગત રેકોર્ડ કરેલો છે. સરકારની સીઓઇ સ્કીમમાં એકમાત્ર પ્રિશા સતત પાંચ વર્ષ માટે પસંદગી પામી હતી. તેની સિદ્ધિ બદલ સાર્વજનિક કેળવણી મંડળના માનદ મંત્રી દિલીપભાઈ ચૌધરી, પ્રમુખ રમણભાઈ ખમાર, મિલનભાઈ ચૌધરી, વણીકર ક્લબના ડૉ.વસાવડા, સ્વિમિંગ ક્લબના ગ્રુપમાંથી યશવંતભાઈ પટેલ, વિજયભાઈ છાબડાએ પ્રિશાને બિરદાવી હતી. પ્રિશાને તૈયાર કરવામાં કોચ બળદેવ દેસાઈનો મહત્વનો ફાળો રહ્યો છે.

સ્વિમિંગના 6 મહિનામાં દવા છૂટી : પિતા
વ્યાયામ શિક્ષક વિનોદભાઇ પ્રજાપતિએ કહ્યું કે, અમારી દીકરી પ્રિશાને જન્મથી પાચનશક્તિ મંદ હોઇ ડોક્ટરને બતાવતાં દવા આપી હતી. પાચન શક્તિ મંદ હોઇ શૌચક્રિયામાં તકલીફ પડતી હતી. ડોક્ટરે આપેલી દવા લે એટલે સરળ થાય. 5 વર્ષની થઇ ત્યાં સુધીમાં લિક્વિડ દવાની બોટલનો કોથળો ભરાયો હતો. ક્લબમાં તબીબ મિત્રોએ સલાહ આપી સ્વિમિંગ કરાવો. પછી પ્રિશાને તેની મમ્મી સ્વમિંગમાં લઇ જતી અને છ મહિનામાં પાચનક્રિયા સરળ થતાં દવા છૂટી ગઇ. અમારા અનુભવમાં તેણીને સ્વિમિંગ પછી પાચનશક્તિ વધી. પ્રિશાને સ્વિમિંગમાં ઋચિ વધતાં સ્વિમિંગ ચાલુ રાખ્યું અને એક પછી એક તરણ સ્પર્ધાઓમાં ઝળકી છે.

અન્ય સમાચારો પણ છે...