મહેસાણા સિટી-2 વિસ્તારમાં આશ્રય હોટલ નજીક કોમર્શિયલ હેતુ માટેના ટીપી પ્લોટમાં શોપિગ સેન્ટર બનાવવા કરાયેલ ટેન્ડરમાં પાલિકાના એસ્ટીમેટ કરતાં એજન્સીઓના ભાવ 2 થી 28 ટકા ઊંચા આવ્યા છે. જ્યારે લોકભાગીદારી સ્કીમમાં ખાનગી સોસાયટીઓમાં સીસી રોડ બનાવવાના કામમાં એસ્ટીમેટથી 6 થી 29 ટકા નીચા ભાવે કામ કરવા એજન્સીઓએ તૈયારી દર્શાવી છે. ઉપરાંત, અવસર પાર્ટીપ્લોટથી રાધે એક્ઝોટીકા સુધી 700 મીટર સીસી રોડના કામમાં 1.91થી 7 ટકા નીચા ભાવ ખૂલ્યા છે. હવે નગરપાલિકાના સત્તાધિશો નેગોસીએશનનો અવકાશ ચકાસી કારોબારીમાં રજૂ કરી એજન્સી નક્કી કરી વર્કઓર્ડર આપશે.
અવસર પાર્ટીપ્લોટથી રાધે એક્ઝોટીકા સુધી CC રોડ સહિત કામોનાં ટેન્ડરો અંગે હવે કારોબારી સમિતિમાં નિર્ણય લેવાશે
નગરપાલિકા દ્વારા આશ્રય હોટલ નજીક ટીપી સ્કીમ-2ના ફાઇનલ પ્લોટ નં.16માં યુડીપી 88ની ગ્રાન્ટમાંથી અંદાજે રૂ. 3.89 કરોડના ખર્ચે શોપિંગ સેન્ટર બનાવવા ટેન્ડર કરાયું હતું. જેમાં બે એજન્સીના આવેલા ટેન્ડર સોમવારે ખોલાયા હતા. સર્જન ઇન્ફ્રાટેકે રૂ.3,98,30,321ના ખર્ચે (એસ્ટીમેટ કરતાં 2.35 ટકા વધુ ભાવ) અને જય કોર્પોરેશને રૂ.4,99,25,079ના ખર્ચે (એસ્ટીમેટ કરતાં 28.29 ટકા વધુ ભાવ) શોપિંગ સેન્ટર બનાવવા તૈયારી દર્શાવી છે. આ શોપિંગમાં બેઝમેન્ટ, ગ્રાઉન્ડ ફ્લોર તેમજ ત્રણ માળ, લીફ્ટ, ફાયર સિસ્ટમ, પ્લમ્બિંગ, ઇલેક્ટ્રીસીટી સહિતની સુવિધા કરાનાર છે. આ શોપિંગમાં 27 દુકાનો અને 4 હોલ બનાવાશે. શોપિંગ સેન્ટર તૈયાર થયા પછી દુકાનો વેચાણ કરવાની તજવીજ કરાશે.
જ્યારે લોક ભાગીદારીથી હાલમાં 35 સોસાયટીઓમાં સીસી રોડ બનાવવાના છે. જેમાં સોસાયટીઓના કામ પ્રમાણે મંજૂર રેટ પ્રમાણે પાલિકા એજન્સીને ચૂકવણું કરતી હોય છે. નગરપાલિકા દ્વારા 70:20:10ની લોકભાગીદારી સ્કીમમાં સીસી રોડ બનાવવા એસ્ટીમેટ રૂ. 2,69,69,863માં કામ માટે ટેન્ડર કરાયું હતું. જેમાં 5 એજન્સીની પાલિકાના એસ્ટીમેટ કરતાં નીચા ભાવે કામ કરવા તૈયારી દર્શાવી છે. જેમાં એશિયન કન્સ્ટ્રક્શન 29.31 ટકા નીચા ભાવ રૂ.1,90,64,996, જનક કન્સ્ટ્રક્શન 25.99 ટકા નીચા ભાવ રૂ.1,99,60,395, કનુભાઇ જે.પટેલ 18.98 ટકા નીચા ભાવ રૂ.2,18,50,983, કરશન ભૂપાજી વણઝારા 12.99 ટકા નીચા ભાવ રૂ.2,34,66,477 અને ઘનશ્યામ કન્સ્ટ્રક્શન 6.29 ટકા નીચા ભાવ રૂ.2,52,73,458માં કામ કરવા તૈયારી દર્શાવી છે.
અવસર પાર્ટી રોડ માટે બે એજન્સીના ભાવ
શહેરના અવસર પાર્ટી પ્લોટથી રાધે એક્ઝોટીકા સુધી 700 મીટરમાં અંદાજે રૂ.83,25,700ના ખર્ચે સીસી રોડ બનાવવા કરાયેલા ટેન્ડરમાં બે એજન્સીના આવેલા ભાવ ખોલવામાં આવ્યા હતા. જેમાં પાલિકાના એસ્ટીમેટ કરતાં ડીએસપી કન્સ્ટ્રક્શને 7.09 ટકા નીચા રૂ.77,35,407 ભાવે અને એચએલડીપી પ્રોજેક્ટે 1.91 ટકા નીચા રૂ.81,66,679ના ભાવે કામ કરવા તૈયારી દર્શાવી છે. હવે આગામી સમયમાં મળનારી નગરપાલિકાની કારોબારી સમિતિની બેઠકમાં આ તમામ ટેન્ડરોના ભાવમાં સૌથી ઓછા ભાવની એજન્સીને વર્કઓર્ડર આપવા મંજૂરીની મહોર લાગી શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.