વિચારણા:મહેસાણામાં સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમમાં મેચ માટે ફી દર નક્કી કરવાની તૈયારીઓ

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નગરપાલિકા તંત્ર મેચ માટે અરજી શરૂ થતાં હવે ગ્રાઉન્ડ મેન્ટેન્સ ખર્ચનું આંકલન કરીને અડધા અને આખા દિવસની ગ્રાઉન્ડ ફી દર નક્કી કરવા વિચારણામાં

મહેસાણા શહેરમાં ઉત્તર ગુજરાતના સૌથી મોટા સરદાર પટેલ સ્ટેડિયમના લોકાર્પણ પછી ક્રિકેટ મેચ કરવા માટે નગરપાલિકામાં અરજી આવતાં હવે નજીકના દિવસોમાં જ ગ્રાઉન્ડ ફી દર નક્કી કરી અમલમાં મૂકવા નગરપાલિકાના પદાધિકારીઓ, અધિકારીઓએ બુધવારથી વિચારણા શરૂ કરી હતી. જેમાં નગરપાલિકા હસ્તક ગ્રાઉન્ડ મેન્ટેનન્સ અને તેની પાછળ કર્મચારી સ્ટાફ ખર્ચનું આંકલન કરીને ગ્રાઉન્ડની આખા દિવસ અને અડધા દિવસ એમ બે સ્લોટમાં ફી દર નક્કી કરવા પ્રાથમિક વિચારણા કરવામાં આવી છે.

નગરપાલિકા રાહે ગ્રાઉન્ડ મેન્ટેનન્સ અને સ્ટાફ રાખવાનો હોઇ પીચ ક્યુરેટર, રોલર ડ્રાઇવર, ગ્રાઉન્ડ મેન, સફાઇ કામદાર,મેનેજર સ્ટાફની જરૂરીયાત સંચાલન વ્યવસ્થામાં જરૂરીયાત રહેશે.ત્યારે આ ગ્રાઉન્ડ સંચાલન,મેન્ટેનન્સમાં લોન કંટીગ, વીજ સપ્લાય વગેરેને આવરી લઇને ફી દર નક્કિ કરવા વિચારણા હાથ ધરાઇ છે.હાલ યુજીવીસીએલ દ્વારા ગ્રાઉન્ડમાં ક્રિકેટ મેચ માટે પાલીકામાં અરજી આવી છે.વકીલ મિત્ર મંડળ અને તબીબો પણ મેચ માટેની અરજી તૈયારીમાં હોવાનું સુત્રોએ જણાવ્યુ હતું.

આ દરમ્યાન બુધવારે નગરપાલિકામાં પદાધિકારીઓ, અધિકારીઓએ ગ્રાઉન્ડમાં આખા દિવસ અને અડધા દિવસના ફી દર નક્કિ કરવા તેમજ અઠવાડીયુ કે તેથી વધુ સમય માટે ગ્રાઉન્ડના ફી દરમાં ડિસ્કાઉન્ટ અંગે વિચારણા કરાઇ હતી. ગ્રાઉન્ડમાં ટેનિસ બોલ ક્રિકેટ માટે બે દિવસમાં નવી પીચ તૈયાર કરવા અંગે વિચારણા કરાઇ હતી.જ્યારે કોમર્શીયલ મેચ તેમજ સંસ્થાગત મેચ માટે ફી દર અલગ અંગે પણ સુચનો વિચારણામાં લેવાયા છે.જોકે હજુ ઉચ્ચકક્ષા સુધી પરામર્શ કરીને પાલિકા પદાધિકારીઓ નજીકના દિવસોમાં ગ્રાઉન્ડના ફી દર અમલમાં મૂકશે તેમ સૂત્રોએ જણાવ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...