વિધાનસભા પહેલાં ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજવા તંત્રએ ફરી કવાયત હાથ ધરી છે. આગામી 30 સપ્ટેમ્બર તેમજ 31 ડિસેમ્બર સુધીમાં મુદત પૂરી થતી હોય તેવી તમામ ગ્રામ પંચાયતોની માહિતી રાજ્ય કક્ષાએ મોકલવા મેસેજ મળતાં શુક્રવારે જિલ્લા ચૂંટણી તંત્ર કામગીરીમાં જોતરાયું છે. જિલ્લામાં 415 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજવી પડે તેમ છે. જોકે, હજુ સત્તાવાર રીતે ચૂંટણી કાર્યક્રમ જાહેર થયો નથી, પરંતુ ઝડપથી ડેટા એકત્ર કરવાની કામગીરીને જોતાં વિધાનસભા પહેલાં પંચાયતોની ચૂંટણી પૂરી કરી દેવાશે તેમ સૂત્રોનું માનવું છે.
આ સાથે પંચાયતની ચૂંટણી પર બ્રેક લાગતાં ઠંડા પડી ગયેલા સરપંચ અને વોર્ડની ચૂંટણી લડવા ઇચ્છુકો ફરી એકવાર દોડતા થયા છે.જિલ્લામાં 30 સપ્ટેમ્બર સુધીની સ્થિતિએ 403 ગ્રામ પંચાયતની ટર્મ પૂરી થઇ રહી છે, જ્યારે 12 ગ્રામ પંચાયત વિભાજનથી નવી અસ્તિત્વમાં આવી શકે છે એટલે કુલ 415 જેટલી ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી યોજવાની થઇ શકે.
આ સાથે 72 વોર્ડ તેમજ 5 સરપંચની બેઠક ખાલી હોઇ તેની પેટાચૂંટણી આવી શકે છે. જો 31 ડિસેમ્બર સુધીમાં ટર્મ પૂરી થતી હોય તેવી ગ્રામ પંચાયતોને આવરી લેવાય તો 425 જેટલી ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી યોજવાની આવી શકે છે. જોકે, રાજ્ય ચૂંટણી પંચ દ્વારા હજુ કોઇ સત્તાવાર કાર્યક્રમ જાહેર કરાયો નથી. ચૂંટણી કાર્યક્રમ જાહેર થયા પછી તંત્ર મતદાર યાદી તૈયાર કરી પ્રાથમિક પ્રસિદ્ધિ કરશે. ત્યાર પછી વાંધા સૂચનો મેળવશે અને બાદમાં આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરી મતદાન મથકો તૈયાર કરવા સહિતની કામગીરી સાથે ચૂંટણી કાર્યક્રમ મુજબ આગળ વધશે.
માહિતી માંગી છે, પણ હજુ કાર્યક્રમ નથી આવ્યો
જિલ્લા કલેક્ટર કચેરીના સૂત્રોએ કહ્યું કે, હાલ રાજ્ય કક્ષાએથી ટર્મ પૂરી થતી ગ્રામ પંચાયતોની માહિતી માંગવામાં આવી હોઇ મોકલાઇ રહી છે, કોઇ કાર્યક્રમ આવ્યો નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.