જિલ્લામાં 380 હાઇસ્કૂલોમાં ધો.10ના 34 હજાર વિદ્યાર્થીઓનું પરિણામ તૈયાર કરવા કાર્યવાહી હાથ ધરાઇ છે. ધોરણ 10ના વિદ્યાર્થીઓનું પરિણામ બે વર્ષની સામયિક કસોટીઓને ધ્યાને લઇ તૈયાર કરવાની શિક્ષણ બોર્ડની પેટર્ન મુજબ શાળાઓ હવે ધો.9માં અપાયેલ ગુણાંકનની યાદી કાઢી પરિણામ તૈયાર કરી રહ્યા છે. જેમાં ધો.9ના એક વર્ગના તમામ વિદ્યાર્થીઓ એકસાથે ધો.10ના વર્ગમાં ન હોઇ શિક્ષકોને વિદ્યાર્થીઓની યાદીઓ ફંફોસીને પરિણામ ડેટા તૈયાર કરવા પડશે. જોકે, ધોરણ 9 અને 10માં સામયિક અને એકમ કસોટી તેમજ ધો.9માં બે સામયિક કસોટીની ગુણ યાદીઓ શાળા પાસે જ હોઇ સરળતાથી પરિણામ તૈયાર કરાશે તેમ શાળા સત્તા મંડળોએ કહ્યું હતું.
વિષય મુજબ વિદ્યાર્થીઓની યાદી બનાવવી પડશે
વિદ્યાર્થીઓ ધો.9માં માસ પ્રમોશનથી ધો.10માં આવ્યા ત્યારે વૈકલ્પિક વિષયની પસંદગી મુજબના વર્ગમાં ગયા. હવે ધો.10માં કમ્પ્યુટર કે સંસ્કૃતમાંથી કોઇપણ એક વિષય તેમજ હિન્દી અને વ્યાયામમાંથી કોઇપણ એક વિષયની પસંદગી કરી હોય તે ધો.10ના વર્ગમાં વિદ્યાર્થીનો સમાવેશ કરાયેલો છે. ત્યારે ધો.10ના વર્ગશિક્ષકે હવે તેમના વિદ્યાર્થીઓ ધો.9માં કયા વર્ગ(અ, બ, ક વગેરે)માં હતા તે યાદી ચકાસી ગુણોનું આકલન કરવું પડશે.
ધો.9નું બેઝિક લેવાયું છે એટલે પેટર્ન એકંદરે સારી
ધો.10ના વિદ્યાર્થીઓનું પરિણામ તૈયાર કરવામાં ધો.9નું બેઝિક ધ્યાને લેવાનું છે. સામયિક, એકમ અને આંતરિક ગુણ ત્રણ ભાગને આવરી લેવાયા હોઇ પરિણામમાં એવરેજ ન્યાય મળી રહેશે. આ પરિણામથી આગળ પ્રવાહ પસંદગી તેમજ એડમિશન માટેનો બેઝ બની રહેશે. દિનેશભાઇ ચૌધરી, આચાર્ય સાર્વજનિક હાઇસ્કૂલ મહેસાણા
આ પેટર્નમાં વિદ્યાર્થીઓને અન્યાય થવાનો ભય ઓછો
વિદ્યાર્થીનું ધો.9 અને 10 બંને ધ્યાને લેવાનું છે. સામયિક, એકમ કસોટી, આંતરિક મૂલ્યાંકન આવી જાય છે. આમાં વિદ્યાર્થીઓને અન્યાય થવાનો ભય ઓછો રહે. શાળામાં પરિણામ સરળતાથી તૈયાર થઇ શકશે. પ્રહલાદભાઇ પટેલ, પ્રમુખ જિલ્લા શાળા સંચાલક મંડળ
અન્ય શાળાના વિદ્યાર્થીનું પરિણામ મગાવવું પડશે
શનિવારથી પરિણામ તૈયાર કરવા શિક્ષકોને જણાવી દીધું છે. ધો.9ના ગુણ ધ્યાને લેવાના છે, ત્યારે અમારી શાળામાં અન્ય શાળાઓમાંથી 30 વિદ્યાર્થીઓ આવ્યા છે, તેમનું પરિણામ મગાવવું પડશે. જોકે, શાળાઓમાં વિદ્યાર્થીઓના આંતરિક ગુણ, સામયિક અને એકમ કસોટીના ગુણોની યાદી સચવાયેલી જ હોય એટલે પરિણામ સરળતાથી તૈયાર કરી શકાશે. પી.આઇ. પટેલ, આચાર્ય અર્બન હાઇસ્કૂલ મહેસાણા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.