મંત્રીના પોસ્ટર માટે પોલીસ પ્રોટેક્શન:વિસનગરના આઠ ગામમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના પોસ્ટર ફાડી દેવાયાં, પોલીસે રાત્રી દરમિયાન પહેરો આપ્યો

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોસ્ટર ફાડતાં અટકાવવા ગામડાઓમાં પોલીસ પ્રોટેક્શન આપવામાં આવ્યું
  • અજાણ્યા ઈસમોએ પોસ્ટર ફાડ્યા, અરજી આવ્યા બાદ ગામોમાં GRD જવાન તૈનાત કરાયા

મહેસાણાના વિસનગર તાલુકાના કેટલાક ગામડાઓમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના પોસ્ટર ફાડી નાખવાની ઘટના સામે આવી છે. જેને લઈને આ મામલો હાલમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. ત્યારે હાલમાં લોકોને પોસ્ટર ફાડતા અટકાવવા ગામડાઓમાં પોલીસ પ્રોટેક્શન પણ આપવામાં આવ્યું છે.

વિસનગર તાલુકામાં આવેલા એ.પી.એમ.સી ખાતે 6 જૂનના રોજ આરોગ્ય મંત્રી પાણી મામલે લોકર્પણ કાર્યક્રમ યોજવાના છે. જે કાર્યક્રમના પોસ્ટર વિસનગર તાલુકામાં આવેલા ચિત્રોડીપુરા, ગુજા, ખરવડા, બાસણા સહિત ગામડાઓમાં લગાડવામાં આવ્યા હતા. જ્યાં અજાણ્યા કોઈ ઇસમોએ આઠ જેટલા ગામડાઓમાં લાગેલાં પોસ્ટર ફાડી નાખ્યાં હતાં. જે મામલે સ્થાનિક ભાજપના કાર્યકરોએ આ મામલે વિસનગર તાલુકા પોલીસ મથકમાં પોસ્ટર પ્રોટેક્શન માટે પોલીસ સુરક્ષા માંગી હતી. જ્યાં ગઈકાલે શુક્રવારથી ગામડાઓમાં નવા બોર્ડ લગાવીને પોલીસ સુરક્ષા આપવામાં આવી રહી છે.

આ અંગે વિસનગર તાલુકા પી.આઇએ જણાવ્યું હતું કે વિસનગર તાલુકાના આઠ જેટલા ગામડાઓમાં અજાણ્યા ઇસમોએ ઋષિકેશ પટેલના પોસ્ટરો ફાડી નાખ્યા હતા. બાદમાં સ્થાનિક કાર્યકરોએ આ મામલે પોલીસ પ્રોટેક્શન માટે અરજી કરી હતી અને હાલમાં પોસ્ટરના પ્રોટેક્શન માટે જી.આર.ડી. જવાન તૈનાત કરવામાં આવ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. પોસ્ટર કોણે અને કયા કારણે ફાડ્યા એ તપાસ ચાલુ છે.

અન્ય સમાચારો પણ છે...