દરોડો:મુલસણ સીમમાં દારૂના કટિંગ સમયે જ પોલીસ ત્રાટકી, 8 લાખનો દારૂ જપ્ત, દારૂ સહિત રૂ.12.86 લાખનો મુદ્દામાલ કબજે, બે ફરાર

મહેસાણા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લાંઘણજ પોલીસે મુલસણની સીમમાં વરિયાળી ભરેલા કોથળામાં છુપાવેલો રૂ.8.03 લાખનો દારૂ કટિંગ થઇ રહ્યો ત્યારે જ રેડ કરી હતી. જોકે, બુટલેગરો ભાગી ગયા હતા. પોલીસે આઇસર અને દારૂ મળી રૂ.12.86 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

લાંઘણજના પીએસઆઇ. આઇ. આર. દેસાઇ સહિત સ્ટાફ મંગળવારે રાત્રે પેટ્રોલિંગમાં હતો, ત્યારે મુલસણથી ધાંધુસણ જતા રસ્તા ઉપર આવેલી કેનાલ નજીક ખુલ્લા ખરાબામાં મુલસણ ગામના રણજીતસિંહ ઉર્ફે બકાજી ગોવિંદજી વાઘેલા અને તેના ભાઇ વિરેન્દ્રસિંહ ગોવિંદજી વાઘેલાની દેખરેખ હેઠળ દારૂનું કટિંગ કરાતું હોવાની બાતમી મળી હતી. જેને આધારે પોલીસે રેડ કરતાં હાજર શખ્સો નાસી ગયા હતા. અને પોલીસની બેટરીના પ્રકાશમાં રણજીતસિંહ વાઘેલા અને વિરેન્દ્રસિંહ વાઘેલા પણ ભાગતા જોવા મળ્યા હતા. પોલીસ ટ્રક (જીજે 01 ડીટી 7682) પાસે પડેલા કંતાનના કોથળા ખોલીને જોતાં ચોંકી ગઇ હતી. પોલીસે રૂ. 83 હજારની કિંમતની 1000 કિલો વરિયાળી ભરેલા 83 કોથળામાં છુપાવેલ રૂ.7.39 લાખના વિદેશી દારૂની 2209 બોટલો અને રૂ.63,936ના 576 બિયર ટીન મળી કુલ રૂ.8,03,810નો દારૂ અને રૂ. 4 લાખની આઇસર ટ્રક મળી કુલ રૂ.12,86,810નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ અંગે લાંઘણજ પોલીસે બે બુટલેગરો સામે ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...