વડનગર તાલુકાના સીપોર ગામના યુવાનના અપહરણ અને હત્યાનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. જેમાં અનેક ચોંકાવનારી વિગતો સામે આવી છે. મૃતકની પત્ની અને તેના પ્રેમીએ રૂ 1.05 લાખમાં હત્યા કરવાની સોપારી આપી હતી. તેમજ અંબાજી GMDC પાછળ મહેશજીની છરી અને પથ્થરો મારી નિર્મમ હત્યા કરી લાશને ઊંડા અવાવરુ કૂવામાં ફેંકી દીધી હોવાનું સામે આવ્યું હતું.
વડનગર પી.આઈ.બી.એમ પટેલના જણાવ્યાં પ્રમાણે મહેશજી ઠાકોરની પત્ની મંજુલા ઉર્ફ ટીનીબેન ઠાકોર અને રસુલપુરના નૂરઅલી હાસમ નાગલરા વચ્ચે અઢી વર્ષથી પ્રેમસંબંધ હતો. ત્યારે પતિ સાથે અણગમો હોય પત્ની મંજુલા અવારનવાર પ્રેમી નૂરઅલીને પતિનું કાસળ કાઢી નાખવા કહેતી હતી. આ દરમિયાન અપહરણના એક પખવાડિયા પૂર્વ મહેશજીની હત્યા કરવા બંનેએ આયોજન કરી ચાંદબીબી ઉર્ફ ચંદા ઇસ્માઈ મકરાનીએ રૂ 1.05 લાખમાં સોપારી આપી હતી. ચાંદબીબીએ તેના પુત્ર અમીર ઇસ્માઇલ નાકરાણીને હત્યાનું કામ સોંપ્યું હતું અને આમિરે અન્ય શખ્સોની મદદથી અપહરણ હત્યાનો ઈરાદો પાર પાડ્યો હતો.
આ કેસમાં પોલીસે છ આરોપીને દબોચી લીધા છે અને બે આરોપી પકડવાના બાકી છે. જ્યાં પોલીસે હત્યામાં વપરાયેલી કાર, છરી, સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આરોપીઓના 12 દિવસના રિમાન્ડ મેળવી તપાસ આદરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.