મહેસાણા જિલ્લામાં વ્યાજખોરોને ડામવા પોલીસ એક્શન મોડમાં જોવા મળી. જિલ્લા પોલીસ વડા અચલ ત્યાગીએ આજે વ્યાજખોરોને લઈ પોલીસ હેડક્વાર્ટર ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે વ્યાજખોરી કરતા અને લોકોને હેરાન કરતા લોકોથી ડર્યા વિના લોકો પોલીસને જાણ કરે. તેમજ આગામી સમયમાં જિલ્લાના તમામ પોલીસ મથકમાં SP લોક દરબાર યોજાવા સૂચન કર્યું. તેમણે વિશ્વાસ અપાવ્યો કે વ્યાજખોરોની માહિતી આપનારની માહિતી પોલીસ ગુપ્ત રાખશે. ત્યારે હાલમાં મહેસાણા જિલ્લામાં વ્યાજખોરી બાબતે કુલ 7 ફરિયાદ પોલીસને મળી છે.
જાન્યુઆરી મહિનામાં ખાસ ઝૂંબેશ હાથ ધરાશે
વ્યાજખોરી માટે જાન્યુઆરી મહિના દરમિયાન ખાસ ઝૂંબેશ હાથ ધરવામાં આવશે. જેમાં પોલીસ મથકથી લઈ એસ.પી કચેરી સુધી કોઈ પણ માણસને વ્યાજખોરો દબાણ કરતા હોય, વધારે પૈસા લેતા હોય એવા વ્યકિત કોઈ પણ સ્થળે અરજી કરી શકે છે.
તમામ પોલીસ મથકમાં લોક દરબારનું આયોજન
જિલ્લા લેવલે પોલીસ અધિક્ષ કચેરીમાં મદદ માટે એક ડેસ્ક બનાવવામાં આવ્યો છે. જેમાં કોઈ પણ નાગરિક આવી ને માહિતી મેળવી શકે છે. જિલ્લાના તમામ પોલીસ મથકમાં એક લોક દરબારનું આયોજન કરવામાં આવનાર છે. જિલ્લા લેવલના લોક દરબારમાં જિલ્લા પોલીસ વડા ઉપસ્થિત રહેશે તેમજ બધા ડિવિઝન ના પોલીસ મથકના પી.આઈ જેતે વિસ્તાર લોકો છે તેઓને સમાજના આગેવાનો ને બોલાવીને આ મુદ્દા પર માહિતી આપવામાં આવશે.
લોકોને ડર્યા વિના વ્યાજખોરી બાબતે કાયદાઓ જાણવા જોઈએ
જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું કે, લોકોને જાણકારી મળે કે નાગરિકોના અધિકાર શું છે. જરૂરિયાતમંદ વ્યક્તિ ઉછીના રૂપિયા આપ્યા પછી તેમની પાસેથી વ્યાજખોરો 5 ટકાને 10 ટકા વ્યાજ વસૂલે છે તો તે કાયદાની વિરુદ્ધ છે. આ માહિતી લોકોને ખબર હોવી જોઈએ. આવા કેસોમાં અમુક લોકો ડરતા હોય છે. વ્યાજખોરો સારો હોદ્દો, સારું બળ ધરાવતા હોવાથી લોકો ડરથી અવાજ ઉઠાવતા નથી.
વ્યાજખોરો હેરાન કરતા હોય તો પોલીસને જાણ કરે
જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું કે, જિલ્લામાં કોઈ પણ વ્યક્તિ આવી સમસ્યામાં હોય જેના પર વ્યાજખોરો દબાણ કરતા હોય અને વ્યાજે પૈસા આપ્યા બાદ કોરા ચેક આપ્યા હોય કે ઘરના સોનાના દાગીના આપ્યા હોય અથવા તો પ્રોપર્ટીના લખાણ કરાવી લીધા હોય એવા લોકો ડર્યા વિના મહેસાણા પોલીસને જાણ કરી શકે છે.
બેન્કોના અગ્રણીઓ સાથે લોકદરબાર
આગામી સમયમાં એક વિશેષ ઝુંબેશ અનુસંધાન મહેસાણામાં 12 તારીખે એક મોટા લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બેન્કના પ્રતિનિધિને બોલાવવામાં આવશે. જેમાં લોકોને માહિતી આપવામાં આવશે કે કઈ કો-ઓપરેટિવ બેન્ક, સરકારી બેન્ક, માઈક્રો ફાઇનાન્સ બેન્ક કેવી રીતે માણસોને લોન આપે છે અને લોકો કેવી રીતે લોન મેળવી શકે છે એ પણ માહિતી લોકોને આપવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.