જોટાણા તાલુકાના કટોસણ ગામે બની રહેલી વન વેબ નામની 5જી નેટવર્ક નામની કંપનીના રેડિયેશનથી લોકોના આરોગ્ય સામે ખતરો ઊભો થવાના ભય સાથે કટોસણ સહિત આજુબાજુના 10 ગામોના લોકોમાં કંપની સામે વિરોધનો સૂર ઉઠ્યો છે. ગુરુવારે 10 જેટલી ગ્રામ પંચાયતના સરપંચો અને આગેવાનોએ જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપી ઉગ્ર રજૂઆત કરી હતી.
વન વેબ નામની 5જી નેટવર્કની કંપની દ્વારા તાજેતરમાં કટોસણ ગામે બાંધકામ ખાતમુહૂર્ત કરાયું હતું. તેજપુરા જતા એપ્રોચ રોડ પર બની રહેલી આ કંપની ઉપર પ્રતિબંધ મૂકવા અને બનતી અટકાવવા કટોસણ સહિતની 10 જેટલી ગ્રામ પંચાયતોએ ગુરુવારે જિલ્લા કલેક્ટરને લેખિત આવેદન પત્ર પાઠવ્યું હતું.
જે રજૂઆત મુજબ, 5જી નેટવર્ક કંપનીથી પાંચ કિલોમીટરના વિસ્તારમાં રેડિયેશનને પરિણામે માનવ જીવન ઉપર ખૂબ જ નુકસાન થઈ શકે છે. આ ત્રિજ્યામાં આવતા 11 ગામના 25 હજારથી વધારે લોકો અને પશુ-પક્ષીઓને રેડીએશનની માઠી અસર થશે અને ભવિષ્યમાં આ વિસ્તારના રહીશોને હાર્ટએટેક, નપુસંકતા અને વિકલાંગતા સહિતની બીમારીઓનું પ્રમાણ વધશે, પક્ષીઓ નામશેષ થશે. જેને લઈ આ કંપનીને બેન કરવા માંગ કરી છે. કટોસણ, તેજપુરા, કાનપુરા, મરતોલી, ધનપુરા, વીરસોડા, રામપુરા, અજબપુરા, ગોવિંદવાડી, સાંથલ, અમરપુરા સહિતના 11 ગામની પંચાયતોએ લેટરપેડ ઉપર અને આગેવાનોએ પણ આવેદન આપ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.