વિરોધ:7મા પગારપંચનાં બાકી લાભો સહિતની માંગણી હલ ન થતાં પેન્શનરોનું ઓક્ટોબરમાં આંદોલન

મહેસાણા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજ્ય પેન્શનર સંકલન સમિતિની બેઠકમાં જો સરકાર હકારાત્મક નિર્ણય નહીં કરે તો દિલ્હી જંતર મંતર ખાતે ધરણાંની રણનીતિ ઘડાઇ

7મા પગારપંચનાં બાકી લાભો સહિત પડતર 10 માગણીઓ અંગે સરકારમાં વારંવાર રજૂઆત કરવા છતાં કોઇ હલ ન આવતાં સરકારી પેન્શન લેતાં નિવૃત્ત કર્મચારીઓએ આંદોલનની તૈયારી કરી છે. તાજેતરમાં સોમનાથ ખાતે 500 પ્રતિનિધિઓની હાજરીમાં મળેલી અખિલ ભારત પેન્શનર ફેડરેશનની ત્રીજી સામાન્ય સભામાં સરકાર સત્વરે માંગણીઓ અંગે હકારાત્મક અભિગમ નહીં અપનાવે તો ઓક્ટોબરથી આંદોલનાત્મક કાર્યક્રમો શરૂ કરાશે અને દિલ્હી જંતરમંતર ખાતે ધરણાં કરવાનો નિર્ણય લેવાયો હોવાનું ગુજરાત રાજ્ય પેન્શનર સંકલન સમિતિના મહામંત્રી આર.એ. પટેલે જણાવ્યું હતું.

ઓલ ઇન્ડીયા સ્ટેટ પેન્શનર્સ ફેડરેશનનું રાષ્ટ્રીય અધિવેશન 5 સપ્ટેમ્બરે સોમનાથ ખાતે યોજાયું હતું. જેમાં દેશના 22 રાજ્યોના 500 જેટલા પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને રાજ્યોમાં સમસ્યા અને પેન્શનરોની લાંબા સમયથી પડતર માંગણીઓ પૂરી કરવા સરકારનું ધ્યાન દોરવા ગત 7 ડિસેમ્બરે દરેક જિલ્લા મથકે મૌન ધરણાં અને આવેદન આપવા છતાં કેન્દ્ર અને રાજ્ય સરકારે હકારાત્મક નિર્ણય ન લેતાં હવે આગામી ઓક્ટોબરથી આંદોલનાત્મક કાર્યક્રમો શરૂ કરવાનું નક્કી કરાયું છે. મહામંત્રી આર.એ. પટેલે કહ્યું કે, મહેસાણા જિલ્લામાં 25 હજાર સહિત ગુજરાતમાં 4.70 લાખ પેન્શનરો છે. આ પેન્શનરોની માંગણીઓ અંગે વારંવાર રજૂઆતો છતાં સરકારથી પ્રત્યુત્તર ન મળતાં ફરી આંદોલન શરૂ કરાશે.

અન્ય સમાચારો પણ છે...