નવું મંત્રીમંડળ:ઉત્તર ગુજરાત માંથી 3ને મંત્રીપદ,નો રિપીટમાં પાટણ કપાયું, નીતિન પટેલ અને દિલીપ ઠાકોરને સ્થાન ના મળ્યું

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
વિસનગરમાં જીતનો જશ્ન - Divya Bhaskar
વિસનગરમાં જીતનો જશ્ન
  • ઉ.ગુ.માં 3 મંત્રી બનતાં પ્રતિનિધિત્વ વધ્યું, પરંતુ પાટણમાંથી એકપણ મંત્રી નહીં
  • વિસનગરના ઋષિકેશ પટેલને આરોગ્ય, પ્રાંતિજના ગજેન્દ્રસિંહ પરમારને અન્ન-નાગરિક પુરવઠા, કાંકરેજના કિર્તીસિંહ વાઘેલાને શિક્ષણ ખાતુ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નવા મંત્રીમંડળમાં ઉત્તર ગુજરાતમાંથી 3 મંત્રીઓને સ્થાન અપાયું છે. આ સાથે હવે પ્રતિનિધિત્વ 2 થી વધીને 3 થયું છે. જ્યારે નો રિપીટ થિયરીને કારણે પાટણ જિલ્લો કપાયો છે. તો અરવલ્લી જિલ્લાને પણ આ વખતે સ્થાન મળ્યું નથી. મહેસાણા જિલ્લામાંથી વિસનગરના ધારાસભ્ય ઋષિકેશ પટેલને કેબિનેટ મંત્રી બનાવી આરોગ્ય તેમજ જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગનો મહત્વનું ખાતું અપાયું છે.

તો સાબરકાંઠાની પ્રાંતિજ બેઠક પરથી ચૂંટાઇ પહેલીજવાર ધારાસભ્ય બનેલા ગજેન્દ્રસિંહ પરમારને રાજ્ય કક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ તેમજ બનાસકાંઠાની કાંકરેજ બેઠક પરથી ચૂંટાયેલા કિર્તીસિંહ વાઘેલાને રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી બનાવાયા છે. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ ઉ.ગુ.માંથી નીતિનભાઇ પટેલ અને દિલીપભાઇ ઠાકોર એમ બે મંત્રી હતા.

પાટીદાર: 3 ટર્મથી જીતતા ઋષિકેશ પટેલને કેબિનેટ મંત્રી બનાવાયા
મંત્રીનો પરિચય...

ઋષિકેશ ગણેશભાઇ પટેલ (61)
જન્મ : 30 ઓક્ટોબર, 1961 સુંઢિયા
અભ્યાસ : સિવિલ એન્જિનિયરિંગ
સંપત્તિ : 6 કરોડ રૂપિયા
વ્યવસાય : કન્સ્ટ્રક્શન
શોખ :વાંચન, રમતગમત, સંગીત
પ્રમુખ વિસનગર પંચશીલ એજ્યુ.ટ્રસ્ટ
ચેરમેન મહેસાણા ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસો
ચેરમેન વિસનગર માર્કેટયાર્ડ
વિસનગરના છેલ્લી ત્રણ ટર્મથી જીતતા ધારાસભ્ય ઋષિકેશ પટેલ મંત્રી બનવાના હોવાનો ફોન પ્રદેશ કાર્યાલયથી આવતાં ગુરુવારે સવારથી જ કાર્યાલય ઉપર ભાજપના કાર્યકરો એકત્ર થયા હતા અને મંત્રી બનવાનું નક્કી થતાં કાર્યકરોનો કાફલો ગાંધીનગર પહોંચ્યો હતો. ઋષિકેશ પટેલને કેબિનેટમાં સ્થાન મળતાં કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળતો હતો અને ગાંધીનગર તેમને મળી ફૂલહાર પહેરાવી શુભેચ્છા પાઠવી હતી. તેમને આરોગ્ય અને પરિવાર તેમજ પાણી પુરવઠા વિભાગનો હવાલો સોંપાતાં કાર્યકરોએ ધારાસભ્ય કાર્યાલય ખાતે ફટાકડાની આતશબાજી કરી ખુશી વ્યક્ત કરી હતી. ઋષિકેશભાઈ પટેલનો પરિવાર હાલ અમદાવાદ ખાતે છે, જ્યારે તેમનાં માતા કમળાબેન વિસનગર ખાતે છેે. જેમણે તેમના પુત્ર મંત્રી બન્યાની જાણ થતાં ખુશી વ્યક્ત કરી હતી.​​​​​​​

ક્ષત્રિય: આઝાદી બાદ સૌપ્રથમવાર કાંકરેજ બેઠકના MLA મંત્રી બન્યા
​​​​​​​​​​​​​​મંત્રીનો પરિચય..

કીર્તિસિંહ પી. વાઘેલા (52)
જન્મ : 1 જૂન,1969, આકબા
અભ્યાસ : અન્ડર ગ્રેજ્યુએટ
સંપત્તિ : 53 લાખ રૂપિયા
વ્યવસાય : ખેતી-પશુપાલન
શોખ : લેખન, વાંચન, સંગીત
​​​​​​​થરા-આઝાદી બાદ પ્રથમવાર કાંકરેજ તાલુકાને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે. ખારિયા ગામમાં વર્ષો સુધી કાચા મકાનમાં રહેતા મધ્યમ વર્ગીય ધારાસભ્ય કિર્તીસિંહ વાઘેલા મંત્રી બન્યા બાદ પરિવારના સભ્યોએ શપથવિધિ ઘરે ટીવી પર નિહાળી હતી. કિર્તીસિંહનાં ધર્મપત્ની કાંતાબા વાઘેલા તેમજ પુત્ર દિગ્વિજયસિંહ વાઘેલાએ જણાવ્યું કે અમને આજે સવારે જ ખબર પડી હતી. બેદાગ અને આરઆરએસના સક્રિય કાર્યકર હોઇ તેમને આ તક મળી છે. 2017માં 10 હજારની લીડથી ચૂંટાયા હતા.

ઠાકોર: પ્રાંતિજના ગજેન્દ્રસિંહ પહેલી- વાર ચૂંટાયાને મંત્રીપદનો મોભો મળ્યો
​​​​​​​મંત્રીનો પરિચય..

ગજેન્દ્રસિંહ ઉદેસિંહ પરમાર
જન્મ : 24 જાન્યુઆરી,1978
અભ્યાસ : ટીવાયબીએ
સંપત્તિ : 43 લાખ રૂપિયા
વ્યવસાય : ખેતી-પશુપાલન
શોખ : વાંચન અને ક્રિકેટ
હિંમતનગર -પ્રાંતિજ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર મંત્રી બનતાં સાબરકાંઠા જિલ્લાને 9 વર્ષ બાદ રાજ્ય સરકારમાં પ્રતિનિધિત્વ મળ્યું છે. અગાઉ 31 ડિસેમ્બર 2012 સુધી પ્રફુલ પટેલ ગૃહ રાજ્યમંત્રી રહ્યા હતા. વર્ષ 2017માં જિલ્લાની 4 પૈકી 3 બેઠકો ભાજપને ફાળે આવવા છતાં એકપણ ધારાસભ્યને મંત્રીપદ મળ્યું ન હતું. પરંતુ નવા મંત્રીમંડળની રચનામાં જ્ઞાતિ સમીકરણો સાચવવા ગજેન્દ્રસિંહને મંત્રી બનાવાયા છે. સવારમાં ગજેન્દ્રસિંહને સી.આર.પાટીલે ફોનથી જાણ કરી હતી.

મંત્રીમંડળમાં 3 મંત્રી છતાં 2022માં ઉ.ગુ.માં ભાજપ માટે મોટો પડકાર
નો રિપીટ થિયરીમાં નીતિનભાઈ પટેલ અને દિલીપભાઇ ઠાકોરની બાદબાકી છતાં ઉત્તર ગુજરાતમાંથી મંત્રીઓની સંખ્યા બે થી વધીને ત્રણ થઈ છે. નીતિનભાઈની જગ્યાએ પાટીદાર સમાજમાંથી વિસનગરથી ત્રણ ટર્મથી ચૂંટાતાં ધારાસભ્ય ઋષિકેશભાઈ પટેલને કેબિનેટ મંત્રી બનાવી પાટીદાર સમાજને સાચવી લેવાયો છે. બનાસકાંઠામાં ભાજપ પાસે સમ ખાવા પૂરતી બે જ બેઠકો છે, એટલે ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યાની જગ્યાએ કાંકરેજના કીર્તિસિંહ વાઘેલાને રાજ્ય કક્ષાના મંત્રી બનાવાયા છે.

પ્રાંતિજના ગજેન્દ્રસિંહ પરમારને સમાવીને ઠાકોર સમાજને પણ પ્રતિનિધિત્વ આપી દેવાયું છે.ઉત્તર ગુજરાતમાં મહેસાણા અને સાબરકાંઠા જિલ્લા સિવાય ભાજપને અન્ય ત્રણે જિલ્લામાં 2022માં મોટો પડકાર છે. અરવલ્લી જિલ્લામાં ભાજપ પાસે એક પણ સીટ નથી. બનાસકાંઠામાં માત્ર બે ધારાસભ્ય ભાજપના છે. મહેસાણા જિલ્લાના ધારાસભ્યો પણ 2017માં બહુ મોટી લીડથી જીત નથી મેળવી શક્યા.

વિસનગરના ધારાસભ્ય ઋષિકેશ પટેલ ત્રણ ટર્મથીથી સતત જીતતા આવ્યા છે, એટલે સિનિયોરિટી પ્રમાણે પણ તેમનો દાવો નો રિપીટ થિયરીમાં મજબૂત હતો. નો રિપીટ થિયરી અપનાવી ભાજપે મોટો દાવ તો ખેલ્યો જ અને મંત્રીઓના શપથ પહેલાં ઉઠેલા વિરોધને પણ શાંત કરી દીધો છે. વિધાનસભા, પાલિકા, પંચાયતની ચૂંટણીની જેમ મંત્રીમંડળમાં નો રિપીટ થિયરી અપનાવી ભાજપે ફરીથી સૌને ચોંકાવી દીધા છે. નવા મંત્રીઓ માટે સંદેશ બહુ જ સ્પષ્ટ છે, વિધાનસભાની ચૂંટણી પહેલાં પ્રજાના પ્રશ્નોનો નિવેડો લાવો તો જ રિપીટ થશો.

અન્ય સમાચારો પણ છે...