મુસાફરો રઝળી પડ્યાં:55% એસટી બસો PMના કાર્યક્રમમાં મોકલી દેવાતાં મુસાફરો રઝળી પડ્યાં

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણા ડિવિઝનના 12 ડેપોની 400થી વધુ બસો ફાળવી દેતાં રોષ
  • ગામડાંના મુસાફરોને હેરાનગતિ, નાછુટકે ખાનગી વાહનોમાં લૂંટાવવું પડ્યું

ગુજરાતમાં જુનાગઢ, અમદાવાદ અને સુરતમાં પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં મહેસાણા ડિવિઝનની 55 ટકાથી વધુ બસો ફાળવી દેવાતાં ખાસ કરીને ગામડાના રૂટો પર કાપ મૂકાતાં મુસાફરો રઝળી પડ્યા હતા. મહેસાણા, પાટણ, કલોલ સહિતના 12 ડેપોમાં બુધવારે બસની રાહ જોઇને થાકેલા મુસાફરોએ ખાનગી વાહનોમાં ઊંચું ભાડું ખર્ચીને મુસાફરી કરવાની ફરજ પડી હતી. આવી હાલત ગુરુવારે પણ યથાવત રહેશે. ગામડાના રૂટો પર જ કાપ મૂકવાના એસટીના સત્તાધિશો સામે મુસાફરોમાં રોષ જોવા મળ્યો હતો.

મહેસાણા, બહુચરાજી, ચાણસ્મા, કડી, હારિજ, કલોલ, ખેરાલુ, પાટણ, ઊંઝા, વડનગર, વિજાપુર અને વિસનગર ડેપોમાં બુધવારે સવારથી મુસાફરોને શહેરી અને ગ્રામીણ રૂટમાં બસ સમયસર નહીં મળતાં મુશ્કેલી સર્જાઇ હતી. આખો દિવસ બસના ફાંફા રહેતાં કંટ્રોલરૂમમાં બસ આવશે તો જશે તેવા જવાબ મળતા હતા. કેટલાક ડેપોમાં તો માત્ર 10 થી 15 બસોથી સંચાલન કરવું પડ્યું હતું.
આજે પણ બસો રદ રહેશે
મહેસાણા ડિવિઝનના 12 ડેપોની કુલ 760 બસો પૈકી 400થી વધુ બસો કાર્યક્રમોમાં ફાળવી દેવાઇ હતી. મહેસાણા ડેપોની 98 પૈકી 49 બસો જુનાગઢ અને સુરતના કાર્યક્રમમાં મોકલાઇ હોઇ હજુ ગુરુવારે પણ મુસાફરોએ આ મુશ્કેલીનો સામનો કરવો પડશે. મહેસાણા ડેપોમાં સાંજ સુધીમાં 665 ટ્રીપોમાંથી 335 જેટલી ટ્રીપોનું જ સંચાલન થઇ શક્યું હતું.

અન્ય સમાચારો પણ છે...