આયોજન:નીતિનભાઇ પટેલના જન્મદિવસે રક્તદાન માટે પાલિકા સ્ટાફને કન્ફર્મેશન લેવા કામે લગાડાયો

મહેસાણા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • "સાહેબના જન્મ દિવસે રક્તદાન કેમ્પ છે, આવવાના કે નહીં?'પૂછી યાદી બનાવી
  • વિપક્ષના​​​​​​​ નેતાએ કહ્યું, ભાજપ નગરપાલિકાની મશીનરીનો દૂરુપયોગ કરી રહ્યો છે

રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને મહેસાણાના ધારાસભ્ય નીતિનભાઇ પટેલના 67મા જન્મ દિવસ નિમિત્તે તા.26મીએ શહેરમાં બે સ્થળે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું છે, જેમાં વધુમાં વધુ રક્તદાન થાય તેવા પ્રયાસો હાથ ધરાયા છે. શુક્રવારે નગરપાલિકાના ત્રણ કર્મચારીઓને યાદી બનાવવાના કામે લગાડાયા હતા. જેને વિપક્ષના નેતા કમલેશ સુતરીયાએ દૂરુપયોગ થઇ રહ્યાની રાવ વ્યક્ત કરી હતી.

નગરપાલિકામાં શુક્રવારે સત્તાધિશોની સુચના મુજબ આઉટ શોર્સિંગ કર્મચારી જય પટેલ, મિતાલી જોશી અને યશ પટેલે કુલ 29 પાનાની નામ, સરનામુ, મોબાઇલ નંબર, બ્લડગૃપ સાથેની ફાળવેલી સૂચિ મુજબ શાખામાં બેસી મોબાઇલથી સંપર્ક કરી નીતિનભાઇ પટેલ સાહેબના જન્મ દિન નિમિત્તે 26મીએ સવારે 8 થી 12 બ્લડ ડોનેશન કેમ્પ છે, રક્તદાન કરવા આવવાના છો કે કેમ? સામેથી મળતા જવાબની નામ સામે એન્ટ્રી કરતા હતા. આ સમયે વિપક્ષ નેતા કમલેશ સુતરીયા સ્ટ્રીટલાઇટની ફરિયાદના કામે શાખામાં આવતાં કર્મચારીઓની આ કવાયત જોઇ પાલિકા મશીનરીનો દૂરુપયોગ થઇ રહ્યાની રાવ વ્યક્ત કરી હતી.

આ સામાજિક કાર્ય છે : વ્યાસ
પાલિકાના પ્રવક્તા કૌશિક વ્યાસે કહ્યું કે, હા, પાલિકાના કર્મીઓ પાસે અમે ફોન કરાવ્યા છે. પણ પાલિકાની રોજિંદી કામગીરીને કોઇ અડચણ થઇ નથી. આ સામાજિક કાર્ય છે. સારું થતું હોય તો વિપક્ષે રોડા ન નાખવા જોઇએ. કોંગ્રેસ શાસિત પાલિકામાં પણ પ્રોગ્રામોમાં સ્ટાફ પાસે કામ કરાવેલા.

અન્ય સમાચારો પણ છે...