મહેસાણાના મોઢેરા રોડ પર એનએ અને બાંધકામ પરવાનગીના નિયમો જાળવ્યા વિના પાણી બંધાયેલા પાજીબા કોમ્પલેક્ષ અંગેનો પ્રશ્ન ગુરુવારે મુખ્યમંત્રી સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં આવતાં યોગ્ય કાર્યવાહીનો આદેશ થતાં નગરપાલિકા દ્વારા મનાઇહુકમ ભંગમાં સાંજે કોમ્પલેક્ષની તમામ 14 દુકાનો સીલ કરી દેવાઇ હતી.
પાજીબા કોમ્પલેક્ષના અનધિકૃત બાંધકામ અને પરવાનગીઓમાં નિયમો ન જળવાયા અંગે તિરૂપતિ સોસાયટીના અરજદારોએ પાલિકાથી લઇ ગાંધીનગર સુધી રજૂઆતો કરી હતી. જેમાં કોમ્પલેક્ષના બાંધકામ પરવાનગી મેળવવા ઓનલાઇન અરજીના નિયમ મુજબ ચારે બાજુ 3 મીટર જગ્યા જોઇએ, જ્યારે સોસાયટી બાજુ માર્જીન 2.17 મીટર જ જગ્યા હોઇ સોસાયટીનો રોડ (7.50 મીટર તેમના માપમાં બતાવી ખોટી રીતે મંજૂરી મેળવી સરકારની ઓનલાઇન સિસ્ટમ સાથે છેતરપિંડી કર્યા સહિત ચારેક મુદ્દા ટાંકી કાર્યવાહી કરવા માંગ કરાઇ હતી.
નગરપાલિકા દ્વારા નાગલપુરના રેસ.નં. 156 પૈકીના પ્લોટ નં.1થી 3માં રિવાઇઝ બિનખેતી થયેલ, જેમાં વિકાસ પરવાનગી આપવામાં આવેલી છે, પરંતુ મંજૂર પરવાનગી વિરૂદ્ધનું કોમ્પલેક્ષનું બાંધકામ કરાતું હોઇ બાંધકામ બંધ કરવા કોમ્પલેક્ષના માલિક જય ગોવિંદભાઇ પટેલને ગત 3 જાન્યુઆરીએ મનાઇ હુકમ અપાયો હતો. આમ છતાં કામગીરી ચાલુ હતી. આ મુદ્દો ગુરુવારે ગાંધીનગર મુખ્યમંત્રી સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં લેવાયો હતો .
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.