રોષ:સરકારી તબીબ વર્ગ-1ને 12-12 વર્ષથી ઉચ્ચતર પગાર ધોરણ નહીં અપાતાં રોષ

મહેસાણા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આખી નોકરીમાં એક જ વખત મળતો આ લાભ 2008થી અપાયો નથી
  • મહેસાણા જિલ્લામાં 23 પૈકી 50 ટકા વર્ગ-1 સરકારી તબીબોને મળવાપાત્ર છે

મહેસાણા જિલ્લામાં વર્ગ-1 સરકારી તબીબોને આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા 12 વર્ષથી ઉચ્ચતર પગાર ધોરણ નહીં ચુકવાતાં છૂપો રોષ જોવા મળી રહ્યો છે. આખી નોકરી દરમિયાન વર્ગ-1 સરકારી તબીબોને એક જ વખત ચુકવાતું ઉચ્ચતર પગાર ધોરણ વર્ષ 2008થી અપાયું નથી. મહેસાણા જિલ્લામાં 23 પૈકી 50 ટકા વર્ગ-1 સરકારી તબીબોને ઉચ્ચતર પગાર ધોરણ મળવાપાત્ર થાય છે.

ગુજરાતમાં એમએસ કે એમડીની માસ્ટર ડિગ્રી ધરાવતા વર્ગ-1 તબીબ સરકારી નોકરીમાં જોડાય તો તેમને નોકરીના 6 વર્ષ પછી ઉચ્ચતર પગારધોરણ મળે છે. આખી નોકરી દરમિયાન એક જ વખત ઉચ્ચતર પગાર ધોરણ મળતું હોવાથી વર્ગ-1 સરકારી તબીબો અપેક્ષા રાખતા હોય છે. રાજ્યમાં વર્ગ-1 સરકારી તબીબોને વર્ષ 2008થી ઉચ્ચતર પગાર ધોરણ અપાયું નથી. જેના કારણે વર્ગ-1 સરકારી તબીબો સરકારી નોકરી છોડીને ખાનગી પ્રેકટીસ તરફ વળ્યા છે.

મહેસાણા જિલ્લામાં મહેસાણા સિવિલ હોસ્પિટલમાં વર્ગ-1 સરકારી તબીબની મંજૂર 22 જગ્યા પૈકી 18 તબીબો ફરજ બજાવે છે. જ્યારે વિસનગર સિવિલમાં મંજૂર 10 જગ્યા પૈકી 5 તબીબો હાજર છે. એટલે કે, 23 જેટલા તબીબો પૈકી 10થી વધુને ઉચ્ચતર પગાર ધોરણનો લાભ મળવાપાત્ર છે. ઉલ્લેખનીય છે કે, હાલમાં યુવાનો સરકારી નોકરીને સૌથી શ્રેષ્ઠ માને છે. પરંતુ, માસ્ટર ડિગ્રી ધરાવતા તબીબો સરકારી તબીબ તરીકે નોકરી કરવા માટે તૈયાર થતા નથી.

સૂત્રો મુજબ, વર્ગ-1 સુપર સ્પેશ્યાલિટી તજજ્ઞ તરીકે જોડાયેલા તબીબને રૂ.10 હજારના બેઝિક પગારમાં જોડાયા બાદ 6 વર્ષની નોકરી થતાં રૂ.14,300નો બેઝિક પગાર અપાતો હતો. જે વર્ષ 2008થી નાણાં નહીં હોવાનું બહાનું કાઢી સરકારે બંધ કરી દીધો છે. તેની સરખામણીએ રૂ.8 હજારના બેઝિક પગારથી જોડાયેલા વર્ગ-2 સરકારી તબીબને નોકરી દરમિયાન 3 વખત વધારો કરી અનુક્રમે રૂ.10, 12 અને 14 હજારનો પગાર અપાય છે. તેથી વર્ગ-2 સરકારી તબીબની 20 વર્ષની નોકરી બાદ વર્ગ-1 સરકારી તબીબ કરતાં વર્ગ-2નો પગાર વધી જાય છે.

અન્ય સમાચારો પણ છે...