આક્રોશ:મહેસાણા અભિનવ બંગ્લોઝની મુખ્ય લાઇનમાં ગટર જોડાણ ન કરાતાં રોષ

મહેસાણા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વારંવાર ખાળકૂવા ઉભરાતાં 212 પરિવારો હેરાન-પરેશાન
  • આગળની સોસાયટીએ ગટરલાઇન માટે જગ્યા ન આપતાં વિવાદ કોર્ટમાં પહોંચ્યો

મહેસાણામાં વાઇડ એંગલ સિનેમા પાછળ આવેલા અભિનવ બંગ્લોઝમાં પાલિકાએ ગટર લાઇનનું મેઇન લાઇનમાં જોડાણ આપ્યા વગર કામ અધૂરું છોડી દેતાં 212 પરિવારો મુશ્કેલી વેઠી રહ્યા છે. આગળની સોસાયટીએ ગટરલાઇન માટે જગ્યા ન આપતાં બે સોસાયટીઓનો વિવાદ કોર્ટમાં પહોંચ્યો છે. અભિનવ બંગ્લોઝના મહેશ પવાર સહિતના રહીશો અધૂરી ગટર લાઇનનું કામ પૂર્ણ કરાવવા ફરી સોમવારે નગરપાલિકામાં રજૂઆત માટે આવ્યા હતા. તેમણે કહ્યું કે, વર્ષ 2019માં અભિનવ બંગ્લોઝમાં ગટર લાઇન પાછળ પાલિકાએ રૂ. 70 લાખ જેટલો ખર્ચ કરેલો છે. સોસાયટીમાં ગટર લાઇન નાંખી ઘરે ઘરે જોડાણ અપાયાં છે, પરંતુ સોસાયટીથી બહાર મેઇનલાઇન નાંખી જોડાણ આપવાનું કામ બાકી છે. કોન્ટ્રાક્ટર કામ શરૂ કરવાની તૈયારી કરતા હતા, ત્યારે રાધેકુંજ બંગ્લોઝના સભ્યો દ્વારા કામ અટકાવાયું હતું. આ સાર્વજનિક રસ્તો હોવાનો દાવો કરતાં રહિશ મહેશ પવારે કહ્યું કે, રાધેકુંજના સભ્યોએ ગટરલાઇનનું કામ અટકાવતાં અમે કોર્ટમાં દાવો દાખલ કર્યો છે. ગટરલાઇન પ્રાથમિક જરૂરિયાત છે. નજીકમાં ખારી નદી હોઇ ખાળ કૂવા ભરાઇને ઉભરાય છે. આવામાં ટેન્કર મંગાવી વારંવાર કૂવા ખાલી કરાવવા પાછળ ફાજલ ખર્ચ ભોગવવો પડે છે. અભિનવ બંગ્લોઝના રહીશો વર્ષે રૂ.4 લાખ વેરો ચૂકવે છે. સોસાયટીમાં 800 લોકો રહે છે. ત્યારે સત્વરે અધૂરી ગટરલાઇનનું કામ પૂર્ણ કરવામાં આવે તેવી માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...