અધિકારી ન મળતાં રોષ:મહેસાણાના ચેહરનગરમાં વરસાદી ગટરના પાણી ઘરમાં ઘૂસતાં આક્રોશ

મહેસાણા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહિલાઓ પાલિકા દોડી આવી, અધિકારી ન મળતાં રોષ, સાંજે બાંધકામ ઇજનેર દોડ્યા

મહેસાણા પોલીસ લાઇન પાછળ ચેહરનગર સોસાયટીના કોમન પ્લોટમાં વરસાદી પાણી બે દિવસથી ભરાયેલાં છે. ત્યાં ગટરનું પાણી બૅક મારી ઘરના બાથરૂમમાં આવી જતાં અસહ્ય દુર્ગંધથી રહીશો તોબા પોકારી ઊઠ્યા છે. વર્ષોથી સોસાયટીમાં ગટર ઉભરાવાની સમસ્યા છતાં કાયમી હલ નહીં લવાતાં રોષ ભરાયેલી મહિલાઓ બુધવારે નગરપાલિકા ધસી આવી હતી અને હૈયાવરાળ ઠાલવી હતી. જેને પગલે હરકતમાં આવેલા તંત્રએ સોસાયટી ભરાયેલા પાણી પમ્પિંગ કરી ઉલેચવાનું શરૂ કર્યું હતું.

આ અંગે રજૂઆત છતાં સમસ્યા હલ ન થતાં મહિલાઓ કલેક્ટર કચેરીએ દોડી ગઇ હતી. જ્યાંથી પાલિકા જવા કહેતાં જતા પ્રમુખ, COન મળતાં શાખા અધિકારી સમક્ષ રજૂઆત કરી હતી. આ દરમિયાન વિપક્ષના નેતા કમલેશ સુતરીયાએ પ્રમુખનો ટેલીફોનથી સંપર્ક કર્યો હતો.

સોસાયટીના રશીદાબેને કહ્યું કે, પાલિકામાં વારંવાર રજૂઆતો છતાં કોઇ સાંભળતું નથી. હવે તો ઘરોમાં પાણી ભરાયા છે અને બાળકો બીમાર પડી રહ્યા છે. મહેરબાની કરીને નવી ગટરલાઇન નાંખી આપો અને કોમન પ્લોટમાં ખારકૂવો બનાવી આપવા માંગ કરી છે.દરમિયાન, સાંજના 5 વાગે બાંધકામ ઇજનેર જતીન પટેલ ચેહરનગર દોડી ગયા હતા અને સ્થળ નિરીક્ષણ કરી કોમન પ્લોટમાં ભરાયેલું પાણી મોટરથી પમ્પિંગ કરી નિકાલ કરવા કામદારોને સૂચના આપી હતી.

અન્ય સમાચારો પણ છે...