રજૂઆત:પિયત માટે અપાતી વીજળીમાં આડેધડ કાપથી ખેડૂતોમાં રોષ

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 25 ઓક્ટોમ્બરથી 25 નવેમ્બર શિયાળુ પાકના વાવેતરનો સમયગાળો હોઇ ખેતી માટે સળંગ 10 કલાક લાઇટ આપો

વીજ કંપની દ્વારા કૃષિ પાક માટે અપાતી વીજળીમાં એક સપ્તાહથી લોડશેડિંગ શરૂ કરાયું છે, જેના કારણે ઉત્તર ગુજરાતમાં વીજકાપની સીધી અસર રવી સિઝનના વાવેતર ઉપર થઈ રહી છે. ખેડૂતોને પિયત માટે અપાતી વીજળી અનિયમિત અને કાપ મૂકી અપાતી હોવા અંગે વિસનગર ભારતીય કિસાન સંઘ દ્વારા રાજ્યના ઊર્જામંત્રીને લેખિત રજૂઆત કરાઇ છે. જેમાં 25 ઓક્ટોમ્બરથી 25 નવેમ્બર સુધી ખેડૂતો માટે શિયાળુ પાકના વાવેતરનો સમયગાળો હોવાથી ખેતી માટેનો વીજ પુરવઠો સળંગ 10 કલાક આપવા માંગ કરાઇ છે.

ઉત્તર ગુજરાતમાં બોરથી કરાતા પિયત માટે અપાતી 8 કલાક વીજળીમાં પણ બે ભાગમાં કરી ક્યાંક 4-4 કલાક તો ક્યાંક 6-2 કલાક કરી દેવામાં આવી છે અને ક્યારે વીજ પુરવઠો શરૂ થાય છે તેના સમયની જાણ ખેડૂતોને કરાતી નથી. જે અંગે રજૂઆત કરવા છતાં કોઇ જવાબ નહીં મળતાં વિસનગર ભારતીય કિસાન સંઘ દ્વારા વીજળીની અનિયમિતા અને કાપ મુદ્દે રાજ્યના ઊર્જામંત્રી કનુભાઇ દેસાઇ, કૃષિમંત્રી રાઘવજી પટેલ, આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલને રજૂઆત કરી છે. જેમાં વીજ પુરવઠાનો સમય નક્કી ન હોવાથી ખેડૂત સમયસર ખેતરમાં પિયત કરી શકતા નથી.

ત્યારે જ્યારે પણ વીજ પુરવઠો શરૂ થાય તેની ખેડૂતોને મેસેજ દ્વારા જાણ કરાય તેવી માંગણી કરાઇ છે.અા અંગે યુજીવીસીઅેલના ચીફ અોપરેશન હેડ, પી.બી.પંડ્યાઅે જણાવ્યુંુ કે, 8 કલાક જ વીજ સપ્લાય થાય છે. 6 કલાક બાદ વીજ કાપ થયો હોય તેવી માહિતી મારી જોડે ન હોય. 8 કલાક વીજ સપ્લાય અપાય છે તે નક્કી છે. કદાચ 6 કલાક બાદ સપ્લાય કપાયો હોય તો તે 10 થી 15 મિનિટનો જ હોય છે. તમારી પાસે કોઇ ફીડર હોય તો કહો હું અેઇ જોડે વાત કરૂ. બીજી બાજુ 8 કલાક સળંગ વીજ સપ્લાય અપાય છે તેવું પૂછતાં 8 કલાક સપ્લાય અપાય છે પણ સળંગ અપાય છે તે કહેવાનું ટાળ્યું હતું.

સિંચાઈ માટે 10 કલાક વીજ પુરવઠો આપવો જોઇએ
હાલમાં ખેતી માટે 8 કલાક વીજ પુરવઠો બે હપ્તામાં અપાય છે. પ્રથમ 6 કલાક આપી 2 કલાક લોડ શેડિંગ બાદ ફરીથી 2 કલાક અપાતો હોઇ તેની સીધી અસર પાકના વાવેતર પર થઇ રહી છે. આ વિસ્તારમાંથી પસાર થતી નર્મદાની કેનાલમાં હજુ સુધી પાણી છોડાયું નથી, જેને કારણે ખેડૂતો માટે રવી સિઝનમાં પિયત માટે એકમાત્ર પાતાળકૂવા ઉપર આધાર રાખવો પડે તેમ છે, ત્યારે સિંચાઈ માટે 10 કલાક વીજપુરવઠો આપવો જોઇએ. - કાંતિભાઇ પટેલ, પ્રગતિશીલ ખેડૂત, મીઠીઘારીઆલ

લાઇટની રાહ જોઇને ખેતરમાં બેસી રહેવું પડે છે
છેલ્લા 2 દિવસથી પિયત માટે મજૂર કર્યો છે. કાલે આખો દિવસ લાઇટ આવી નહીં છતાં રૂ.200 મજૂરી ચૂકવવી પડી. આજે બપોર સુધી લાઇટ આવી નથી. લાઇટ આપવાની ના હોય તો પહેલેથી જાણ કરે તો ખેડૂતે આખો દિવસ લાઇટની રાહ જોઇને ખેતરમાં બેસી ના રહેવું પડે. જ્યારે લાઇટ પણ પહેલાં 6 કલાક આપે છે અને પછી બે-ત્રણ કલાક આપતા નથી. જ્યારે આપે ત્યારે ફરીથી પાણીનો રેલો ખેતર સુધી પહોંચતાં કલાક થઇ જતો હોય છે. - નાનજીભાઇ પટેલ, ખેડૂત શંખલપુર

અન્ય સમાચારો પણ છે...