અરજદારો હેરાન:બિન અનામત નિગમમાં લોન માટે કરેલી અરજીઓ પૂર્તતાનું કહી વારંવાર પરત કરાતાં અરજદારોમાં રોષ

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નિગમની કાર્યપદ્ધતિના કારણે સાચા લાભાર્થીઓ લાભથી વંચિત રહે તેવી સ્થિતિ
  • અઢી લાખનો આવકનો દાખલો રજૂ કર્યા પછી ઇન્કમટેક્ષના આધારો મંગાય છે

રાજ્ય સરકાર દ્વારા બિન અનામત વર્ગના લોકોના શૈક્ષણિક અને આર્થિક વિકાસ માટે રચિત નિગમમાં રોજગાર માટે કરેલી લોનની અરજીમાં અરજદારોને અલગ અલગ મુદ્દા માટે વારંવાર પરત કરી પૂર્તતા કરવા જણાવાતું હોઇ કંટાળેલા અરજદારોમાં રોષ ભભૂકી ઊઠ્યો છે. ઓનલાઇન અરજીમાં પૂર્તતા કરવામાં સાયબર કાફેમાં અરજદારોને નાણાં ચુકવવા પડતા હોય છે. આ ઉપરાંત, ગાંધીનગર નિગમ રાહે મંથરગતિએ અરજી મંજૂર કરવામાં આવતી હોઇ હજુ મોટાભાગે અરજદારોને તેમના ખાતામાં સહાય જમા થઇ ન હોઇ પૂછપરછ માટે કચેરીના આંટાફેરા લગાવી રહ્યા છે.

અરજદારોનું કહેવું છે કે, યોજનાનો લાભ લેવા આવક મર્યાદા રૂ. 6 લાખની છે. અરજદારો બે લાખથી ઓછી આવકનો દાખલો અધિકૃત સત્તાધિકારીનો રજૂ કરે તો પણ ઇન્કમટેક્ષના આધાર રજૂ કરવા જણાવાય છે. ભારત સરકારના નિયમ મુજબ રૂ.2.50 લાખ સુધી ઇન્કમટેક્ષ ભરવાનો રહેતો નથી તેમ છતાં તેના આધાર માગી અરજદારોને હેરાન કરાય છે.પહેલા મિલકત વેલ્યુએશનમાં તલાટીનો દાખલો માન્ય હતો, હવે ખાનગી વેલ્યુએશન રિપોર્ટ માગે છે લોનના લાભ માટે સગાસંબંધી મિલકત નિગમના તરફેણમાં બોજા નોંધ કે મોર્ગેજ કરવા મિલકતનું વેલ્યુએશન પહેલાં તલાટીનું માન્ય રખાતું હતું.

હાલ સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ હેઠળના અન્ય નિગમોમાં તલાટીના વેલ્યુએશન રિપોર્ટ માન્ય રખાય છે. બિન અનામત નિગમમાં આ રિપોર્ટ માન્ય નહીં રાખવાના નિર્ણયથી અરજદારો હેરાન થાય છે.સરકારે 15 ઓગસ્ટ 2018ના ઠરાવથી બિન અનામત વર્ગના લોકોને વ્યવસાય શરૂ કરવા નિગમ દ્વારા રૂ.10 લાખની લોન આપવામાં આવશે. જેમાં રૂ.7.50 લાખ સુધીની લોનમાં અરજદારે પોતાની કે સગાની મિલકત નિગમના નામનો બોજો પડાવવો તેમજ રૂ.7.50 લાખથી વધુની લોનમાં અરજદારે મિલકત નિગમ તરફેણમાં મોર્ગેજ કરવાની હોય છે.

પરંતુ નિગમ દ્વારા વ્યવસાય નક્કી કરી ધિરાણની મર્યાદા નિયત કરાઇ છે. જેમાં રૂ.2.50 લાખથી રૂ.5 લાખ સુધી નિયત કરાયા છે. ફક્ત બે-ત્રણ ધંધામાં જ રૂ.7.50 લાખ ધિરાણ નક્કી કર્યુ છે. સરકારે નિયત કરેલ ધિરાણ મર્યાદાથી અડધી ધિરાણની મર્યાદા નિગમે નક્કી કરી દીધી હોવાનું સૂત્રોનું કહેવું છે.

અસલ પુરાવા અપલોડ કર્યા છતાં પૂર્તતા માટે અરજી પરત કરાઇ
મહેસાણામાં બિન અનામત નિગમની કચેરીમાં હારિજના કુકરાણાના રઘુવીરસિંહ વાઘેલાએ ગીફ્ટ આર્ટીક્લનો ધંધો શરૂ કરવા અરજી કરી છે. સ્થાનિક કક્ષાએથી ગાંધીનગર અરજી પહોંચી, એકાદ મહિનો થયો હજુ સહાય મળી નથી. અમે ઓનલાઇન અસલ ડોક્યુમેન્ટ અપલોડ કરેલા છતાં અસલ માટે પૂર્તતામાં પરત આવેલી. આજ ડોક્યુમેન્ટ ફરી અપલોડ કર્યા. બીજી વખત તલાટીનું મિલકત વેલ્યુએશન પ્રમાણપત્ર નહીં પ્રાઇવેટનું લાવો તેમ જણાવ્યું. વારંવાર અરજીમાં પૂર્તતાથી સાયબર કાફેના આંટા થાય છે.

અન્ય સમાચારો પણ છે...