પ્રથમ દિવસે શાળાને તાળાબંધી:વડનગરના સૂંઢિયામાં આચાર્યના અણઘડ વહીવટ સામે રોષ, ગ્રામજનોએ શાળાને તાળાં માર્યાં

મહેસાણા24 દિવસ પહેલા
  • સરકારમાંથી આવતી ગ્રાન્ટનો દુરુપયોગ કરાતો હોવાનો આક્ષેપ
  • આચાર્ય બાળકો પાસે પાણીની ટાંકીઓ અને ટોઇલેટ સાફ કરાવે છે: ગ્રામજનો

મહેસાણા જિલ્લા સહિત રાજ્યભરમાં આજે માધ્યમિક શિક્ષણ બોર્ડની શાળાઓમાં ઉનાળું વેકેશન બાદનું શિક્ષણકાર્ય શરૂ થયું છે. ત્યારે આજે મહેસાણા જિલ્લાના વડનગર નજીક આવેલા સૂંઢિયા ગામમાં વહેલી સવારે જ ગામલોકોએ ભેગા મળીને ગામની સરકારી શાળાને તાળાબંધી કરી હતી. આચાર્યના અણઘડ વહીવટને કારણે શાળામાં સુવિધા નથી તેમજ સરકારમાંથી આવતી ગ્રાન્ટનો દુરુપયોગ કરાતો હોવાના આક્ષેપ કરી આચાર્યની બદલીની માગ ગ્રામજનો કરી રહ્યા છે.

આચાર્યની બદલી કરવા માગ
મહેસાણા જિલ્લામાં આવેલા વડનગર નજીકના સૂંઢિયા ગામમાં આવેલી અનુપમ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા આચાર્ય રાજેન્દ્ર લવજીભાઈ ચૌધરીની બદલીની માગ સાથે આજે વહેલી સવારે ગામલોકોએ શાળાને તાળાં મારી દીધાં હતાં. ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે, શાળામાં જે વ્યવસ્થા છે એ ખોરવાઈ ગઈ છે. A ગ્રેડમાં ચાલતી શાળા C ગ્રેડમાં આવી ગઈ છે. આચાર્ય દ્વારા સરકારમાંથી આવતી ગ્રાન્ટનો મોટા પ્રમાણમાં દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. વાલીઓને ગેરમાર્ગે દોરી હેરાન કરવામાં આવી રહ્યા છે. અમારી માગ છે કે તાત્કાલિક આચાર્યની બદલી કરવામાં આવે.

આચાર્યએ મોટા પ્રમાણમાં કૌભાંડ કર્યાનો આક્ષેપ
આચાર્ય રાજેન્દ્ર ચૌધરી છેલ્લાં 9 વર્ષથી કાર્યરત હોવાનું ગામલોકો જણાવી રહ્યા છે. આ આચાર્ય દ્વારા મોટા પ્રમાણમાં કૌભાંડ પણ કરવામાં આવ્યાં હોવાનું તેમણે જણાવ્યું હતું. વિકાસ માટે આવતી ગ્રાન્ટો ખોટાં બિલો બનાવી બરોબર વાપરી નાખવાનો આક્ષેપ છે.

બાળકો પાસે ટોઇલેટ સાફ કરાવવાનો આક્ષેપ
આ મામલે ફાલ્ગુનીબેને જણાવ્યું હતું કે તાળાબંધી એટલે કરવામાં આવી કે આચાર્ય બાળકો પાસે પાણીની ટાંકીઓ અને ટોઇલેટ સાફ કરાવે છે. શાળાના વિકાસના નામે ગ્રાન્ટ પાસ કરાવીને બારોબાર વાપની નાખે છે.

અધિકારીઓ સૂંઢિયા દોડી આવ્યા
અનુપમ પ્રાથમિક શાળામાં ગ્રામજનોએ તાળાબંધી કરતાં મહેસાણા અને તાલુકા લેવલના અધિકારીઓ સૂંઢિયા ગામમાં દોડી આવ્યા છે અને આ મામલે ગામલોકોને સમજાવવાના પ્રયાસ હાલમાં ચાલુ છે, જોકે ગ્રામજનો આચાર્યની બદલી માટે મક્કમ છે.

અન્ય સમાચારો પણ છે...