ભારતમાલા પ્રોજેક્ટ:થરાદ-અમદાવાદ એક્સપ્રેસ વેમાં જમીન સંપાદનનો વિરોધ

મહેસાણા3 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મહેસાણા,ગાંધીનગર,પાટણના ખેડૂતોએ જમીન બચાવો, જગતના તાતને જીવવા દોના સૂત્રો સાથે રેલી યોજી: એક્સપ્રેસ વે ની જરૂર નથી તેની ડિબેટ કરવા તૈયાર: ખેડૂતો
 • આ પ્રોજેક્ટ સુજલામ ​​​​​​​સુફલામ કેનાલના પાયા નષ્ટ કરશે અને ખેડૂતો ભૂમિહીન થશે : ખેડૂતો

ઉત્તર ગુજરાત અને ગાંધીનગરને સ્પર્શતા ભારતમાલા પ્રોજેક્ટમાં થરાદ- અમદાવાદ એક્સપ્રેસ વે માં જમીન સંપાદનથી ખેડૂતો ભૂમિહિન થશે અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સુજલામ સુફલામ કેનાલના પાયા નષ્ટ કરશે ત્યારે આ એક્સપ્રેસ વે રદ્દ કરોના સૂત્રોચ્ચાર સાથે મહેસાણામાં ત્રણ જિલ્લાના એકઠા થયેલા ખેડૂતોએ રેલી યોજી હતી. જમીન બચાવો અને જગતના તાતને જીવવા દો ના નારા સાથે કલેકટર કચેરીએ જમીન સંપાદનના વિરોધમાં રજૂઆત કરીને શા માટે આ એક્સપ્રેસ વે ની જરૂરી નથી તેની ડિબેટ કરવા તૈયાર હોવાનું સરકારને ખેડૂતોએ આહ્વવાન કર્યું હતું.

મહેસાણા તાલુકા પંચાયત સંકુલથી આધી રોટ્ટી ખાયે ગે જમીન બચાયેગે, જય જવાન જય કિશાન,ખેડૂતોને સહકાર આપોના નારા સાથે અસરગ્રસ્ત ખેડૂતોની વિશાળ રેલી નિકળી હતી,જેમાં મહિલા ખેડૂતો પણ જોડાઇ હતી અને કલેકટર કચેરીએ પહોચીને ચીટનીશ ડી.કે ધ્રવને સંપાદન સામે વિરોધના 11 મુદ્દા સાથે આવેદન આપીને સરકાર સમક્ષ પહોચાડવા અનુરોધ કર્યો હતો.ખેડૂતોએ હવે આગામી લડત કાર્યક્રમ ગાંધીનગર જાહેર કર્યો છે.

અત્રે મહેસાણા, પાટણ અને ગાંધીનગર જિલ્લાના 30 ગામના એકત્રીત ખેડૂતોને સંબોધન કરતાં ખેડૂત વિપુલભાઇ પટેલે કહ્યુ કે, માત્ર થરાદ અમદાવાદ એક્સપ્રેસ વે થી જમીન ગુમાવનાર ખેડૂતો જ નહિ હાલ બજારના વેપારીઓ પણ મુશ્કેલીમાં મૂકાશે.તેમજ ફેન્સિગ રોડ બનનાર હોઇ ઉ.ગુ બે ભાગમાં વહેચાશે.રોડ બનશે તો ખેડૂતોની પથારી વળી જશે.

ગાંધીનગરના ખેડૂત દિપકભાઇએ વિસ્તારના 45 ગામના ખેડૂતની જમીન આ પ્રોજેક્ટમાં જઇ રહી હોવાનું જણાવ્યુ હતું. ખેડૂત પુજાભાઇએ કહ્યુ કે, રોડ વગર વિકાસ શક્ય નથી ભારતમાલા સંમાતર રોડ છે,80હજાર કી.મી રોડ છે, બિનઉપજાઉ કે બંજર જમીનના ભોગે રોડ થાય તો સ્વાગત. બાકી તો આ રોડ પર વાહન વ્યવહાર જશે, આવક થશે તે ખેડૂતના કાળજાની આવક હશે, પૈસા પેદા થશે. જેમણે આ પ્રોજેક્ટ બનાવ્યો છે તેમણે સરકાર સાથે કદાચ સાચી વાત કરી નથી.

ખેડૂતો આ માટે સંપાદનનો વિરોધ કરી રહ્યા છે, રેલીમાં 20 થી વધુ ગામના ખેડૂતો જોડાયા

 • હાઇવે 213.80 કી.મી લંબાઇ અને અંદાજે 160 ગામોની હજારો એકર જમીન સંપાદન થી ખેડૂતો જમીન હોલ્ડિગ ગુમાવશે અને ખેતમજુર તરફ ધકેલાશે
 • હાઇવે ફેન્સીંગવાળો હોવાથી જમીનના ટુકડા થશે એકથી બીજા ભાગમાં જવાનું મુશ્કેલી પડશે.ગામની ભૌગોલિક પરિસ્થિતિ બદલાઇ જશે
 • કેનાલ ખેડૂતોના કુવાઓ ટ્યુબવેલ રીચાર્જ થી ત્રણ પાક લેવાય છે, સમાંતર સુચિત હાઇવે સુજલામ સુફલામ કેનાલના પાયાને નષ્ટ કરશે
 • નોટિફિકેશન મુજબ ખેડુતને રૂ. 5 થી 6 લાખ પ્રતિવિઘા, જ્યારે જમીનના વાસ્તવિક બજાર દરો રૂ. 30 લાખથી બે કરોડ
 • સરકારે વડોદરા મુંબઇ એક્સપ્રેસ વે અને બુલટે ટ્રેન માટે સંપાદનમાં સંતોષકારક વળતર ચૂકવાયુ, જ્યારે આ પ્રોજેક્ટમાં ચુકવેલ વળતર મુજબની બાંહેધરી ખેડૂતોને આપી નથી
 • આ પ્રોજેક્ટમાં ઘણા ખેતરમાં રહેતા ઘર પંચાયત ચોપડે નથી, પશુ તબેલા તથા ફેક્ટરી પણ ઘણી જગ્યાએ સંપાદન થઇ રહી છે. સામાજીક સર્વે, નુકશાની સર્વે હજુ સુધી કરાયો નથી
 • પ્રોજેક્ટ એલાઇમેન્ટ બદલો જેથી ખેડૂતોની ઓછી જમીન સંપાદિત થાય અને સરકારનો ખર્ચ ઓછો થાય
 • ઉ.ગુમાં ઉત્તર થી દક્ષિણ આ રોડ પણ પૂર્વ થી પશ્ચિમ તરફ જઇ રહ્યો છે.પાટણ- ગોઝારીયા પ્રોજેક્ટ 77 કી.મીનો આજ લાઇન ઉપર નવો બની રહ્યો છે તો ફરી સર્વે કરાવો
 • LAAR - 2013 પ્રમાણે કેટલા ટકા ખેડૂતો જમીન વિહોણા થઇ રહ્યા છે તેનો આ પ્રોજેક્ટરમાં સર્વે કરાયો ન હોઇ સર્વે કરાવો
 • ખેડૂતો લાંબી લવાદ અને કોર્ટ કાર્યવાહી અનુસરવા અસમર્થ
 • રોડ ફેન્સીંગવાળો હોવાથી રસ્તાની સમસ્યા સર્જાશે, બંને સાઇડ સર્વિસ રોડ આપો
 • મિનિમમ સપોર્ટ પ્રાઇઝ (એમ.એસ.પી) જમીન સંપાદનના કાયદામાં પણ લાગુ કરો, સરકાર નક્કી કરે માર્કેટ પ્રાઇઝ થી નીચા દરે જમીન સંપાદન કરવુ નહી
 • રેલીમાં મેઉ, મુલસણ, સાલડી, ચિત્રોડીપુરા ,ધારૂસણા, દેવરાસણ, ગુજાળા, ચરાડુ, ઉદલપુર, લાંઘણજ, લાખવડ, દેલા, પિલુદરા, ચિત્રોડા, બામોસણા, ભાન્ડુ, ભાન્ડુપુરા, બોકરવાડા, સુરપુરા, પ્રતાપગઢ, બાલીસણા ગામના ખેડૂતો જોડાયા હતા.
અન્ય સમાચારો પણ છે...