રોગચાળાનો ભય:મહેસાણામાં સોમનાથ અંડરપાસ નજીકની સોસા.ઓનો ગટર પાણીનો ખુલ્લામાં નિકાલ

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખુલ્લા નાળામાં ભરાયેલ ગંદા પાણીનો નિકાલ કરાવવા માંગણી
  • અમરપરા-સોમનાથ રેલવે ટ્રેક સાઇડ અસહ્ય દુર્ગંધથી રોગચાળાનો ભય

મહેસાણાના સોમનાથ અંડરપાસ નજીક કેટલીક ખાનગી સોસાયટીઓમાં ગટર લાઇન કે શોષકૂવાના અભાવે ગંદા પાણીનો રેલવે ટ્રેક સાઇડ ખુલ્લા નાળામાં નિકાલ કરાઇ રહ્યો છે.જેના કારણે અસહ્ય દુર્ગંધથી રોગચાળાની ભીતિ સાથે વિસ્તારના જાગૃત નાગરિકોએ સત્વરે ગંદું પાણી બંધ કરાવી ખુલ્લા નાળામાં ભરાયેલા ગંદા પાણીનો નિકાલ કરાવવા માંગ કરી છે.

અમરપરાથી સોમનાથ રોડ સાઇડ કેટલીક સોસાયટીઓમાં હજુ નગરપાલિકા ગટર લાઇન જોડાણ નેટવર્કના અભાવે આપી શકી નથી. રેલવે ક્રોસિગના કારણે ગટર જોડાણ ન હોઇ આવી સોસાયટીઓથી પાલિકા ડ્રેનેજવેરો લેતી નથી પણ સુવિધા વગરની સોસાયટીઓનું વેસ્ટ પાણી જાહેર રસ્તા સાઇડ, રેલવે ટ્રેક સાઇડ ખુલ્લા નાળામાં નિકાલ કરાઇ રહ્યો હોઇ દૂષિત પાણીનો ઘણા સમયથી ભરાવો થયેલો હોઇ દુર્ગંધ પ્રસરી રહી છે. સોસાયટીઓમાં શોષકૂવા બનાવી ઘરના વેસ્ટ પાણી નિકાલની વ્યવસ્થા ઉભી કરવા નગરપાલિકાએ જાણ કરી હોવા છતાં હજુ કેટલીક સોસાયટી ઉદાસીન છે.

ઉલ્લેખનિય છે કે, વોર્ડ સદસ્ય કમલેશ સુતરીયા, હાર્દિક સુતરીયા દ્વારા પણ પાલિકાની પરવાનગી વગર ગેરકાયદે ડ્રેનેજ જોડાણમાં પાણી નિકાલ કરતા હોય તેમની સામે પગલાં લેવા અગાઉ રજૂઆત કરાયેલી છે. જોકે, આ અંગે ચીફ ઓફિસર અલ્પેશ પટેલે જણાવ્યું કે, રેલવે ટ્રેક સાઇડ ખુલ્લામાં ભરાયેલા ગંદા પાણીનો પમ્પિંગ કરી ચેમ્બરમાં નિકાલ કરાવવામાં આવશે. આ અંગે ડ્રેનેજ શાખા ઇજનેરને સૂચના આપી છે. ચેહરનગરમાં 100 મકાનો પૈકી માત્ર 18 કાયદેસર ડ્રેનેજ જોડાણ છે. બાકીના તમામ ગેરકાયદે છે. વારંવાર ગટર લાઇન ચોકઅપ થતાં ગંદું પાણી ઉભરાઇને બહાર રેલાતાં રહીશો તોબા પોકારી ઉઠ્યા છે.

અન્ય સમાચારો પણ છે...