મહેસાણા શહેરમાં એરોડ્રામથી આસ્થાવિહાર ફ્લેટ સુધી વરસાદી પાણી નિકાલની 400 મીટર લાંબી ખુલ્લી કેનાલમાં ગંદકીના કારણે આસપાસની સોસાયટીના રહીશોને મુશ્કેલી સર્જાતી હોય છે. ત્યારે કમળપથના લોકાર્પણ વખતે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે આ ખુલ્લી કેનાલ સાઇડની મુલાકાત લઇ જરૂરી સૂચના આપી હતી. જેને પગલે પાલિકાએ હવે આ ખુલ્લી કેનાલ ઢાંકીને વોક-વે બનાવવાનું આયોજન હાથ ધર્યું છે. જ્યાં રહીશો અવરજવર કરી શકે તેવો વોક-વે બનાવવાના પ્લાનિંગમાં બાંધકામ વિભાગ કામે લાગ્યો છે.
શહેરમાં રાધનપુર રોડથી મોઢેરા રોડ તરફ ગંદા નાળા ઉપર કમળપથ બનાવાયો છે. આ કમળપથ નજીકના એરિયામાં જ આસ્થાવિહાર ફ્લેટથી એરોડ્રામ એમ.બી. સ્કૂલ સુધી ખુલ્લી કેનાલમાં ગંદકી ખદબદે છે. નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલ, કારોબારી ચેરમેન કૌશિકભાઇ વ્યાસ, વોર્ડ 5ના કોર્પોરેટર પ્રહલાદભાઇ પટેલ સહિત સદસ્યો દ્વારા અહીં નીતિનભાઇ પટેલ સમક્ષ ખુલ્લી કેનાલથી સર્જાતી સમસ્યાઓ અંગે રજૂઆત કરાઇ હતી. રખડતાં ઢોર ખુલ્લી કેનાલમાં પડી જવા તેમજ સાઇડના રસ્તેથી પસાર થતાં આસપાસના રહીશોને દુર્ગંધ સહિતની મુશ્કેલી સર્જાતી હોય છે. આ અંગે ચીફ ઓફિસરને યોગ્ય આયોજન કરવા સૂચના અપાઇ હતી. જેને પગલે ખુલ્લી કેનાલ ઢાંકી તેની ઉપર વોક-વે બનાવવાનું આયોજન કરાયું છે.
10 થી 15 સોસાયટીના રહીશોને સુવિધા મળશે
વિસ્તારના કોર્પોરેટર પ્રહલાદભાઇ પટેલે કહ્યું કે, આસ્થા વિહાર ફ્લેટથી એરોડ્રામ સુધી ખુલ્લી કેનાલ આસપાસ પટેલનગર, રાજેશ્વર, ગણેશનગર સહિત 10 થી 15 જેટલી સોસાયટીઓ આવેલી છે. આ ખુલ્લી કેનાલ ઉપર વોક-વે બનશે એટલે વિસ્તારના રહીશોને અવરજવરની સુવિધા ઉપલબ્ધ થવાની સાથે ખુલ્લી કેનાલનું જોખમ પણ દૂર થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.