દાવો:ગુજરાતમાં આરોગ્ય ક્ષેત્રે માત્ર 20 ટકા કર્મચારીઓની ઘટ : આરોગ્ય મંત્રી

મહેસાણા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
આરોગ્ય મંત્રી બન્યા બાદ ૠષિકેશ પટેલે મહેસાણા સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. - Divya Bhaskar
આરોગ્ય મંત્રી બન્યા બાદ ૠષિકેશ પટેલે મહેસાણા સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી.
  • દરેક જિલ્લામાં મેડિકલ કોલેજો શરૂ થતાં આગામી બે વર્ષમાં 6400 સીટો ઉપલબ્ધ થશે, જેના કારણે તબીબની ભરતી માટે મોટી પ્રતિક્ષાયાદી બનશે : ઋષિકેશ પટેલ

ગુજરાતમાં આરોગ્ય વિભાગમાં 20 ટકા કર્મચારીઓની ઘટ હોવાનો આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે સ્વીકાર કરી રાજ્યમાં આરોગ્યની સ્થિતિ મજબૂત થાય તેવા પગલાં સરકાર લઈ રહી હોવાનો દાવો કર્યો હતો. તેઓ આરોગ્ય મંત્રી બન્યા બાદ સોમવારે પ્રથમ વખત મહેસાણા ખાતે પધાર્યા હતા.જિલ્લા ભાજપ દ્વારા કમલમ ખાતે સન્માન કરાયા બાદ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે સિવિલ હોસ્પિટલમાં જનરલ ઓપીડી, દવા વિભાગ, ડેન્ટલ વિભાગ અને આરટી પીસીઆર લેબની મુલાકાત લીધી હતી.

ઋષિકેશ પટેલે કહ્યું કે, ગુજરાતમાં આરોગ્ય ક્ષેત્રે 20 ટકા કર્મચારીઓની ઘટ છે. તાજેતરમાં 3 હજાર નર્સોની ભરતી કરી છે. જિલ્લે જિલ્લે મેડિકલ કોલેજો શરૂ થતાં આગામી બે વર્ષમાં 6400 મેડિકલ સીટો ઉપલબ્ધ થશે. જેના કારણે તબીબની ભરતી આવે તો મોટી પ્રતિક્ષાયાદી થાય અને તબીબોને ગામડાં સુધી જવું પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થાય તેવા પ્રયાસો શરૂ કરી દીધા છે. આગામી 3 થી 4 મહિનામાં ગુજરાતમાં 100 ટકા રસીકરણ કરવાનો લક્ષાંક રખાયો છે. 10 હજાર ગામોમાં 100 ટકા રસીકરણ પૂર્ણ કરી હાલમાં 85 ટકા લોકોને પ્રથમ ડોઝ અને 50 ટકાથી વધુ લોકોને બીજો ડોઝ આપી દીધો છે.

ભગાજી ઠાકોરની વિવાદ કરવાની મનસા બર આવી નહીં
જિલ્લા ભાજપ દ્વારા આરોગ્ય મંત્રીનું સન્માન કરવાનો જાહેર કાર્યક્રમ હોવા છતાં મહામંત્રી ભગાજી ઠાકોરે કાર્યક્રમ શરૂ થયાની થોડી મિનિટોમાં પત્રકારોને હોલ છોડી દેવાની વાત કરી હતી. આ સમયે કેટલાક આગેવાનોએ ગંભીરતા દાખવી ભગાજીના વાક્યને પરત ખેંચાવતાં વિવાદ થતાં રહી ગયો હતો.

કાર્યાલય બન્યા બાદ પ્રમુખની ખુરશીમાં બેસવા મોકો મળ્યો
ભાજપ કાર્યાલયનું નવું બિલ્ડીંગ ઋષિકેશ પટેલ જિલ્લા પ્રમુખ હતા ત્યારે નિર્માણ થયું હતું. નવું બિલ્ડીંગ બન્યા બાદ આનંદીબેને ઉદ્ઘાટન કર્યું પરંતુ પ્રમુખની ખુરશીમાં બેસવાનો મોકો નહીં મળ્યાનો વસવસો મંત્રી પટેલે વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...