મહેસાણાના દિતાસણ, કુકસ, હેબુવા ગામની ઓએનજીસીની ડ્રીલ સાઇડોની જમીન સંપાદન પ્રક્રિયામાં થતાં વિલંબને લઇ અકળાયેલા ખેડૂતો વતી ગુજરાત સ્ટેટ ઓએનજીસી લેન્ડ લુઝર ફાર્મર્સ લેબર કો-ઓ. સોસાયટીએ એવોર્ડ જાહેર કરો કે પછી જમીનનો કબજો છોડી દેવા માંગણી કરી છે. લોકડાઉનને કારણે 4 મહિનાનો સમયગાળો વધારતું જાહેરનામુ મહેસૂલ વિભાગે પ્રસિદ્ધ કર્યું હતું.
જમીન અધિગ્રહણના કાયદા મુજબ 3 વર્ષથી વધુ સમય માટે જમીનની જરૂરિયાત હોય તો જે-તે જમીનને કાયમી સંપાદન કરવાની હોય છે
સોસાયટી ચેરમેન નટવર પટેલે મુખ્યમંત્રી અને ઓએનજીસીને ડ્રીલ સાઇડોની જમીન સંપાદન કરવા રજૂઆત કરી હતી. જેમાં જિલ્લામાં ઓએનજીસી દ્વારા હજારો ખેડૂતોની રોજીરોટી આપતી જમીન સંપાદન કરાઇ છે. ત્યારે ઓએનજીસીએ અત્યાર સુધીમાં જૂના સંપાદન અધિનિયમ મુજબ ખેડૂતોની જમીનો રૂ.5 થી 7 પ્રતિ ચો.મી.ના ભાવે કાયમી ધોરણે સંપાદન કરેલી છે. હવે સરકાર દ્વારા જમીન સંપાદન અંગેના પુનર્વસન અને પુન: સ્થાપન અધિનિયમ-2013નો અમલ કરાતાં ઓએનજીસી દ્વારા નવા કાયદા મુજબ ખેડૂતોને વળતર ચૂકવવું ન પડે તે માટે કાયમી ધોરણે જમીન સંપાદન કરવાનું સદંતર બંધ કર્યું છે. જમીન અધિગ્રહણના કાયદા મુજબ 3 વર્ષથી વધુ સમય માટે જમીનની જરૂરિયાત હોય તો જે-તે જમીનને કાયમી સંપાદન કરવાની હોય છે, પણ ઓએનજીસી દ્વારા છેલ્લા 15-20 વર્ષથી ઘણા બધા ખેડૂતોની જમીન ગેરકાયદે તેમજ મનસ્વી રીતે હંગામી ધોરણે પોતાના કબજામાં રાખેલી છે અને આવી જમીનોનું નજીવું ભાડુ ચૂકવાય છે.
આ સંજોગોમાં ડ્રીલ સાઇટ માટે ઓએનજીસી મહેસાણા દ્વારા 16 વર્ષ પહેલાં હંગામી ધોરણે સંપાદન કરેલી જમીનનોની કાયમી જરૂરિયાત ઉભી થતાં ઓએનજીસીએ કાયમી સંપાદન માટે ખાસ જમીન સંપાદન અધિકારી, ઓએનજીસી મહેસાણાને વિધિવત દરખાસ્ત મોકલી આપી હતી. મહેસુલ વિભાગ દ્વારા જરૂરી જાહેરનામા પ્રસિદ્ધ કરેલા હોવા છતાં અને ઓએનજીસી દ્વારા પહેલેથી જ વિધિવત દરખાસ્ત કરેલી હોવા છતાં એમના દ્વારા તેમની વડી કચેરીની મંજૂરીનું ખોટું બહાનું આગળ ધરી આ પ્રક્રિયામાં વિધ્નો ઉભા કરી સમયસર પ્રક્રિયા પૂર્ણ ન કરી હોવાનો આક્ષેપ કરાયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.