• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • One Voice Of The People Here First Water, Then Voting, 10 Thousand People Boycotted All Elections For 3 Years, Deprived Of Water For 20 Years

ડાવોલ, ડાલીસણા, વરેઠા ગામને ઓળખો છો?:અહીંના લોકોનો એક જ અવાજ- પહેલાં પાણી, પછી મતદાન, 3 વર્ષથી તમામ ચૂંટણીઓનો બહિષ્કાર, 20 વર્ષથી પાણીથી વંચિત

મહેસાણા9 દિવસ પહેલા

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને લઈ તમામ રાજકીય પક્ષો પોતાની સરકાર બનાવવા ગામેગામ સભાઓ ગજવી રહ્યા છે, ત્યારે ઘણી જગ્યાએ જનતા વિરોધ નોંધાવી રહી છે, કોઈ નેતાઓને આડેહાથ લઈને, તો કોઈ ચૂંટણી બહિષ્કાર કરીને. આજે વાત કરીશું મહેસાણાના એવાં ત્રણ ગામની, જેમણે છેલ્લાં ત્રણ વર્ષથી કોઈને મત નથી આપ્યો. આ ત્રણ વર્ષમાં નાની-મોટી ત્રણ ચૂંટણી આવી, પરંતુ ત્રણેય ગામના લોકો એકના બે ન થયા. નેતાઓને ચૂંટવાની તો વાત અલગ રહી, ગ્રામજનોએ સરપંચ પણ ના ચૂંટ્યો.. આ ત્રણેય ગામનો એક જ પ્રશ્ન છે 'પાણી'... સિંચાઈના પાણીની તો વાત અલગ છે, અહીં પીવાના પાણીનાં પણ ફાંફાં પડે છે. ગામમાં પાણી માટે કોઈએ માતાજીની તો કોઈએ ચપ્પલ ન પહેરવાની બાધા પણ રાખી. ગ્રામજનો કહે છે, હવે તો ગામના યુવાનને કોઈ છોકરી પણ નથી આપતું.. ત્યારે દિવ્ય ભાસ્કરની ટીમે ત્રણેય ગામની મુલાકાત લીધી છે. વિગતે વાંચીએ આ અહેવાલમાં.

1998થી રજૂઆત પણ પરિણામ શૂન્ય
આજે દિવ્ય ભાસ્કરની ટીમ મહેસાણાથી 50 કિલોમીટર દૂર આવેલા ખેરાલુ તાલુકાના ડાવોલ, વરેઠા અને ડાલીસણા ગામની મુલાકાતે પહોંચ્યું હતું, જ્યાં છેલ્લાં 20 વર્ષથી પાણી માટે લોકો વલખાં મારી રહ્યા છે. આ ત્રણેય ગામના મોટા ભાગે લોકો ખેતી અને પશુપાલનના વ્યવવ્યાય સાથે સંકળાયેલા છે. આ ગામોની આસપાસ બે મોટા ડેમ હોવા છતા લોકોને પાણી મળતું નથી. દિવસના 20-25 ટેન્કર લાવવા પડે છે. વર્ષોથી ચાલી રહેલા પાણીના પ્રશ્નો વિશે ગ્રામજનોએ 1998થી ઘણી જગ્યાએ રજૂઆત કરી પણ પરિણામ શૂન્ય જ આવ્યું. ગામ લોકો સાથે અમે વાતચીત કરવા ગયા ત્યારે ખાસ કરીને મહિલાઓ આક્રોશ સાથે પોતાની વેદના વર્ણવી હતી.

જ્યાં સુધી પાણી નહીં મળે ત્યાં સુધી કોઈને અમે વોટ નહીં આપીએ.
જ્યાં સુધી પાણી નહીં મળે ત્યાં સુધી કોઈને અમે વોટ નહીં આપીએ.

બાળકોને ભણાવવા કે પાણી શોધવા જવું?
ડાવોલ ગામની પૂર્વા ચૌધરી નામની મહિલાએ જણાવ્યું, બાળકોને ભણાવવા કે પાણી શોધવા જવું? પાણી વગર કંઈ રીતે જીવવું.. પુરુષો તો સવારે તૈયાર થઇને જતા રહે, મહિલાઓએ ક્યાં જવું? ઢોરઢાંખર કેમના સાચવવા? પાણી છે તો બધું છે, બાકી કોઇએ અમારા ગામમાં મત માગવા આવવું નહીં. જ્યાં સુધી પાણી નહીં મળે ત્યાં સુધી કોઈને અમે વોટ નહીં આપીએ. અમે મહિલાઓ પાણી માટે મહેસાણા કે ગાંધીનગર ગમે ત્યાં જવા તૈયાર છીએ.

ટેન્કરથી પાણી લાવીને પશુઓને પીવડાવીએ પણ, ઘાસ વગર ખવડાવવું શું?
ટેન્કરથી પાણી લાવીને પશુઓને પીવડાવીએ પણ, ઘાસ વગર ખવડાવવું શું?

કોઈ પિતા પોતાની દીકરી અહીં પરણાવવા તૈયાર નથી
ડાલીસણા ગામની મધુબેન પ્રજાપતિ નામની મહિલાએ જણાવ્યું, આમરા ગામમાં પાણીની તકલીફ ઘણી છે, જેને કારણે અમારા છોકરાઓનાં લગ્ન કરવા પણ મુશ્કેલ બની ગયાં છે. કોઈ સગાઇ કરવા તૈયાર નથી. અમે કોઇપણ સંજોગોમાં વોટિંગ કરવાના નથી. અન્ય એક મહિલાએ જણાવ્યું, પાણી વગર પશુઓને કેવી રીતે જિવાડવા? ટેન્કરથી પાણી લાવીને પીવડાવીએ પણ, ઘાસ વગર ખવડાવવું શું? વેચાતું પાણી, વેચાતું ઘાસ ક્યાં સુધી લાવવું? છોકરાઓ ભણાવવા કે પાણી ગોતવા જવું? ચૂંટણી આવી રહી છે પણ અમે વોટિંગ નથી કરવાના, અમારે પહેલા પાણી જોઇએ છે, પછી જ વોટ આપીશું.

ટેન્કરોથી પાણી લાવીને કંટાળ્યા છીએ, હવે હિજરત કરવાની તૈયારીમાં છીએ.
ટેન્કરોથી પાણી લાવીને કંટાળ્યા છીએ, હવે હિજરત કરવાની તૈયારીમાં છીએ.

હવે તો હિજરત કરવાની તૈયારીમાં છીએ
ડાલીસણા ગામના ખેડૂત મોંઘજી ચૌધરીએ જણાવ્યું, ગામમાં છેલ્લા ઘણા સમયથી પાણીનો પ્રશ્ન છે. અમે ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. જ્યાં સુધી અમારાં ત્રણ ગામોમાં પાણી નહીં મળે ત્યાં સુધી અમે મતદાન કરવાના નથી. અમે ટેન્કરોથી પાણી લાવીને કંટાળ્યા છીએ, હવે હિજરત કરવાની તૈયારીમાં છીએ.. એક ગામમાં એક દિવસના 20થી 25 પાણી ટેન્કર બહારથી વેચાતાં લાવીએ છીએ. એક ટેન્કરનો ખર્ચ 400થી 500 રૂપિયા થાય છે. સરકાર અમારાથી હોરમાયું વર્તન કરી રહી છે. તો ફૂલજીભાઈએ જણાવ્યું, ચૂંટણી આવે એટલે નેતાઓ આવે અને 6 મહિનામાં પાણી આપવાના વાયદા કરીને જતા રહે, પછી ન તો પાણી આવે કે ન તો નેતા.. કૂવાઓમાં ક્યાંય પીવાનું પાણી નથી. નર્મદાનું પાણી છેક ભુજમાં જાય, પણ અહીં નથી આવતું. ધરોઇ ડેમ સાવ નજીક હોવા છતાં અમને પાણી મળતું નથી.

પાણી નહીં મળે ત્યાં સુધી ગ્રામજનો એકના બે નહીં થાય.
પાણી નહીં મળે ત્યાં સુધી ગ્રામજનો એકના બે નહીં થાય.

વેરાઈ માતાની બાધા છે, મતદાન નહીં કરીએ
ડાવોલ ગામના લક્ષ્મણજીએ જણાવ્યું, અમે ખેતીનો વ્યવસાય કરીએ છીએ, છેલ્લાં 20 વર્ષથી પાણીનો પ્રશ્ન ત્રણ ગામોમાં છેં. અમારા વિસ્તારમાં કોઈ સિંચાઈ યોજના આવી નથી. ખેરાલુ તાલુકામાં બે ડેમ આવેલા- ધરોઈ અને મુક્તેશ્વર, પણ અમને પાણી મળતું નથી. આ મામલે અમારાં ત્રણ ગામના તમામ લોકોએ વેરાઈ માતાના મંદિરે બાધા લીધી છે કે જ્યાં સુધી ત્રણ ગામમાં પાણી નહીં મળે ત્યાં સુધી અમે કોઇપણ ચૂંટણીમાં મતદાન કરીશું નહીં. ગામના બળદેવ ગિરિ ગૌસ્વામીએ કહ્યું, છેક 2002માં વડાપ્રધાન મોદીએ પાણી આપવાનું વચન આપ્યું હતું. રૂપેણ નદીને જીવંત કરવા અને ચીમનબાઈ સરોવર ભરવાની વાત કરી હતી. વર્ષો વીતી ગયાં, પણ આમાંનું કંઇપણ થયું નહીં. કંટાળીને છેલ્લાં ત્રણ વર્ષથી તમામ ચૂંટણીનો બહિષ્કાર અમે કર્યો છે. ગામમાં હાલમાં નેતાઓ આવે છે, પણ કોઈ સભાઓ કરતા નથી, માત્ર આંટો મારીને નીકળી જાય છે. તેમને ખબર છે કે પાણી નહીં આપીએ ત્યાં સુધી ગ્રામજનો એકના બે નહીં થાય.

ધરોઈ ડેમ સાવ નજીક હોવા છતાં આ ગામો પાણીથી વંચિત છે.
ધરોઈ ડેમ સાવ નજીક હોવા છતાં આ ગામો પાણીથી વંચિત છે.

2.24 લાખ મતદારો, પણ વિકાસના નામે મીંડું
ખેરાલુ વિધાનસભામાં 2 લાખ 24 હજાર 235 મતદાર છે. આ વિધાનસભામાં 90 ટકા લોકો ખેતી પર નિર્ભર હોવા છતાં સિંચાઈ માટે કોઈ સુવિધા નથી. ધરોઈ ડેમ આ વિધાનસભામાં હોવા છતાં સ્થાનિકોને કોઈ લાભ મળતો નથી. ખેરાલુ વિધાનસભાના આ ત્રણ સહિત અન્ય 23 ગામમાં પીવાના પાણીનો પ્રશ્ન એરણે છે. અહીં એકપણ મોટો ઉદ્યોગ નથી. GIDCનું પણ બાળમરણ થયું છે. શિક્ષણ માટે પણ આ વિસ્તારમાં ખૂબ ઓછી સવલત ઉપલબ્ધ છે. આ વખતે અહીં ભાજપમાંથી સરદારભાઈ ચૌધરી, કોંગ્રેસમાંથી મુકેશ દેસાઈ અને આમ આદમી પાર્ટીમાંથી દિનેશ ઠાકોર મેદાને છે.

અન્ય સમાચારો પણ છે...