મામેરામાં માથાકૂટ:મહેસાણાના ચરાડું ખાતે મામેરામાં મહિલા જોડે નાચવાની ના પાડતા ત્રણ શખ્સોએ એકને માર માર્યો

મહેસાણા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લાઘણજ પોલીસ મથકમાં ત્રણ સામે ફરિયાદ નોંધાઇ

મહેસાણા તાલુકામાં આવેલા ચરાડું ખાતે મામેરાના પ્રસંગ દરમિયાન મહિલા સાથે ત્રણ શખ્સો નાચવા આવતા મહિલાના ભાઈએ શખ્સોને દૂર કરતા શખ્સોએ મહિલાના ભાઈ સાથે મારામારી કરી હુમલો કર્યો હતો. જેમાં દિયર વચ્ચે છોડાવવા આવતા તેના પર પણ હુમલો કરી ત્રણેય શખ્સો ફરાર થયા હતા. આ સમગ્ર મામલે હાલમાં લાઘણાજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

મૂળ ગાંધીનગરના ડભોડા ખાતે રહેતા મયુર ઠાકોરે લાઘણજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, તેઓ તેમના કુટુંબી બહેનની દીકરીના લગ્નના મામેરામાં ચરાડું ગામ ખાતે આવ્યા હતા. જ્યાં ડીજેના તાલે ફરિયાદીના ભાભી પોતાની સહેલીઓ સાથે નાચી રહ્યા હતા, એ દરમિયાન ચરાડું ગામમાં રહેતો દીનેશ ઠાકોર, જુગાજી ઠાકોર અને નવાજી ઠાકોર આ ત્રણ ઈસમો ફરિયાદીના ભાભી પાસે આવીને નાચવા લાગ્યા હતા.

બાદમાં ફરિયાદીના ભાભીના ભાઈએ આવીને નાચી રહેલા ત્રણ ઇસમોને મહિલાઓથી દૂર નાચવાનું કહેતા ત્રણેય શખ્સોએ ઉશ્કેરાઈ જઇ ફરિયાદીની ભાભી અને તેમના ભાઈ સાથે ઝપાઝપી કરવા લાગ્યા હતા. તેમજ બાદમાં મામલો ઉગ્ર બનતા ફરિયાદી પોતે છોડાવવા વચ્ચે પડતા ત્રણ યુવકોએ લાકડીઓ અને ધોકા વડે ફરિયાદીને માર માર્યો હતો.

હુમલામાં ફરિયાદી ઘાયલ બનતા તેને સ્થાનિક સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને બાદમાં હુમલો કરનાર ત્રણ ઈસમો વિરુદ્ધ લાઘણજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...