અકસ્માત:ચાણસ્મા ખાતે દર્શન કરી પરત અમદાવાદ જઈ રહેલા યુવકોની એક્ટિવાને ટ્રેક્ટરે અડફેટે લીધું, એકનું મોત, બે ઘાયલ

મહેસાણા9 દિવસ પહેલા
  • મહેસાણા નજીક યુવકોને અકસ્માત નડ્યો
  • ઈજાગ્રસ્ત યુવકોને સારવાર માટે મહેસાણા સિવિલમાં ખસેડવામાં આવ્યા

અમદાવાદનો યુવક પોતાના મિત્રો સાથે પાટણ જિલ્લામાં આવેલા ચાણસ્મા ખાતે દર્શન કરવા નીકળ્યો હતો. જે બાદ સાંજે દર્શન કરી ત્રણ મિત્રો એક્ટિવા પર સવાર થઈ અમદાવાદ જઈ રહ્યા હતા. આ દરમિયાન મહેસાણા નજીક ટ્રેક્ટર અને એક્ટિવા વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં એક યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બે લોકોને ઈજા પહોંચી છે.

મૂળ અમદાવાદ રહેતો રાકેશ દતાંણી ગઈકાલે સવારે પોતાના મિત્ર પિન્ટુ દતાંણી અને સુનિલ દતાંણી સાથે એક્ટિવા પર સવાર થઈને ચાણસ્મા માતાજીના દર્શન કરવા ગયા હતા. જે બાદ દર્શન કરી અમદાવાદ જવા નીકળ્યા હતા જ્યાં આગળ મહેસાણા હરદેસણ નજીક આવેલા બ્રહ્માણી માતાના મંદિર પાસે આવતા GJ 2 CG 7885 નંબરનું ટ્રેક્ટર એક્ટિવા સાથે અથડાયું હતું. જેથી અકસ્માત થયો હતો. જેમાં એક્ટિવા પર સવાર પિન્ટુ દતાંણી અને સુનિલ દતાંણીને ઇજાઓ પહોંચી હતી. જ્યારે એક્ટિવા ચલાવનારા રાકેશ દતાંણીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

ઇજા પામેલા બે યુવકને સારવાર માટે મહેસાણા સિવિલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં મૃતકના પરિવારને જાણ કરતા રાતોરાત મહેસાણા સિવિલ દોડી આવ્યા હતા. હાલમાં આ મામલે મૃતકના ભાઈએ ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...