કામગીરી:અંડરપાસનું કામ પૂરું થતાં મોઢેરા સર્કલ પર પુન: સરદાર પટેલની પ્રતિમા મૂકાશે

મહેસાણા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સર્કલે લાઇટિંગ માટે બે પોઇન્ટ મૂકાયા, પહેલાં કેબલ ખેંચવો પડતો હતો

મહેસાણા શહેરમાં મોઢેરા સર્કલ અંડરપાસની કામગીરી પૂરી થતાં હવે સર્કલની વચ્ચે પહેલાની જેમ સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા મૂકવા ફાઉન્ડેશન સહિતની કામગીરી હાથ ધરાઇ છે. આ સાથે 45 મીટર અંડર ગ્રાઉન્ડ 2 કેબલ નાખી દેવાયા છે. જેનાથી પ્રતિમાએ પ્રસંગોપાત લાઇટિંગ માટે કેબલ ખેંચવો નહીં પડે. કે રોડની તોડફોડ નહીં કરવી પડે.

મોઢેરા ચોકડી સર્કલે વીજ પાવર સપ્લાય માટે અંડર ગ્રાઉન્ડ કાયમી વ્યવસ્થા નગરપાલિકાની સ્ટ્રીટલાઇટ ટીમ દ્વારા કરાઇ છે. હાલમાં સરદાર પટેલની પ્રતિમા પુન: સ્થાપિત કરવા માર્ગ અને મકાન વિભાગ દ્વારા સ્ટ્રક્ચરનું બાંધકામ કરાઇ રહ્યું છે.

સ્ટ્રીટલાઇટ ઇજનેર હાર્દિકભાઇ મોદીએ કહ્યું કે, ભવિષ્યમાં સર્કલે કાયમી કે કામચલાઉ લાઇટિંગ કરવાનું આયોજન થાય તો પણ હવે પોલથી કેબલ ખેંચીને સર્કલ સુધી લાવવાની જરૂર રહેશે નહીં. મોઢેરા રોડ સાઇડના પ્રથમ પોલથી અંડર ગ્રાઉન્ડ બે કેબલ લાઇન સર્કલ સુધી નાંખી છે. વોર્ડ 5ના સદસ્ય રાકેશ પટેલે જણાવ્યું કે, અહીં અંડરપાસની કામગીરી સમયે શાખાને કેબલ માટે સૂચન કર્યું હતું. આ કામ પાલિકાએ પ્રતિમા મૂકાય તે પહેલાં પૂર્ણ કર્યુ છે.

અન્ય સમાચારો પણ છે...