વિદ્યાર્થીઓમાં જોવા મળ્યો ઉત્સાહ:મહેસાણામાં પ્રથમ દિવસે મોટી સંખ્યામાં બાળકો રસી લેવા માટે જોડાયા, કહ્યુ- અમને કોઈ પ્રકારની તકલીફ પડી રહી નથી

મહેસાણા15 દિવસ પહેલા
  • જિલ્લામાં આજે 30 હજાર બાળકોને રસી મુકવાનું આયોજન
  • કમળાબા હોલ ખાતે 15 થી 18 વર્ષના બાળકો તેમજ અન્ય સ્થળે પણ રસી મુકવાનું આયોજન

મહેસાણા જિલ્લામાં આજે વહેલી સવારથી 15 થી 18 વર્ષના બાળકોને રસી આપવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. જેમાં પ્રથમ દિવસે મોટી સંખ્યામાં બાળકો રસી લેવા માટે જોડાયા હતા. કોઈ પણ ડર કે ભય વિના બાળકોએ ઉત્સાહ સાથે રસી મુકાવી હતી. વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, અમે પણ રસી લેવા માટે ઉત્સાહી છીએ અને હાલમાં અમને કોઈ પ્રકારની તકલીફ પડી રહી નથી.

મહેસાણાની સાર્વજનિક કેમ્પસમાં આવેલા કમળાબા હોલ ખાતે 15 થી 18 વર્ષના બાળકો તેમજ અન્ય સ્થળે પણ રસી મુકવાનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રથમ દિવસે જિલ્લા આરોગ્ય અધિકારી વિષ્ણુ પટેલ સહિત આરોગ્ય ટીમે બાળકો પાસે આવી વેક્સિન અંગે વાર્તાલાપ કરતા જોવા મળ્યા હતા. બાળકોને કોઈ તકલીફ ને પડે તેવી ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે.

જિલ્લામાં આજે 226 શાળાઓના 30 હજાર બાળકોને કોરોના વિરોધી રસી મુકવામાં આવી રહી છે. જેમાં ધોરણ 9 થી 12 માં ભણતા 15 થી 18 વર્ષની ઉંમરના બાળકો આજે ઉત્સાહ ભેર રસી મુકાવી રહ્યા છે. આ રસીકરણની કામગીરી 7 તારીખ સુધી ચાલશે.

મહેસાણાની સાર્વજનિક સ્કૂલના કમળાબા હોલ ખાતે આજે બાળકો કોરોના ગાઈડલાઈનનું પાલન કરી રસી મુકાવી છે. વેક્સિન સેન્ટર પર ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. જ્યાં મેડિકલ સ્ટાફ પણ સેન્ટરો પર હાજર રાખવામાં આવ્યો છે.

કમળાબા હોલ ખાતે આજે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ રસી લેવા જોડાયા હતા. જ્યાં રસી માટેનું એક જ ટેબલ હતું, જોકે, આ દરમિયાન જિલ્લા આરોગ્ય અધિકારીની નજરે પડતા વધુ બે ટીમો રસી આપવા માટે મુકવામાં આવી હતી.

સાર્વજનિક સ્કૂલની વિદ્યાર્થિની પટેલ શ્રેયાએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, આજે અમારી સ્કૂલ ખાતે રસી આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું. સારું એવું આયોજન કરવામાં આવ્યું છે. અમે પણ રસી લેવા માટે ઉત્સાહી છીએ. આરોગ્ય વિભાગ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. હાલમાં અમને કોઈ પ્રકારની તકલીફ પડી રહી નથી.

જિલ્લા આરોગ અધિકારી વિષ્ણુ પટેલે જણાવ્યું હતું કે, મહેસાણા જિલ્લાના કુલ 1 લાખ 10 હજાર બાળકોને રસી આપવામાં આવશે. આજે જિલ્લામાં 30 હજારથી વધુ બાળકોને રસી આપવામાં આવી રહી છે. હાલમાં જિલ્લાની મોટામાં મોટી હાઈસ્કૂલ સાર્વજનિક ખાતે 5 હજારથી વધુ બાળકો રસી લેવાના છે. બાળકો પણ ઉત્સાહ ભેર રસી લઇ રહ્યા છે. બાળકોમાં કોઈ પ્રકારનો ડર રહ્યો નથી અને કોરોનાની ત્રીજી લહેર સામે બાળકોને રક્ષણ મળશે.

અન્ય સમાચારો પણ છે...