• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • On Kadi Nandasan Road, Three ISMOs In A Swift Hit The Truck Driver With A Chappa, Costing Him Rs. Fugitive After Robbing 25 Thousand

"હપ્તા વાળા છીએ" કહીને લૂંટ ચલાવી:કડી-નંદાસણ રોડ પર સ્વિફ્ટ ગાડીમાં આવેલા ત્રણ ઈસમોએ ટ્રક ચાલકને ચપ્પાના ઘા માર્યા, રૂ. 25 હજારની લૂંટ ચલાવી ફરાર

મહેસાણા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટ્રકને ઓવરટેક કરીને ઉભી રાખી, "અમે હપ્તા વાળા છીએ" એમ કહી દાદાગીરી કરી
  • એક લૂંટારૂ ટ્રક ચલાવી નંદાસણ તરફ લઇ ગયો, બાદમાં ચપ્પાના ઘા માર્યા

મહેસાણા જિલ્લામાં દિવસે ને દિવસે લૂંટ, ચોરી જેવા ગુના પોલીસ ચોપડે નોંધાતા હોય છે. ત્યારે હવે ગુનેગારને પોલીસની કોઈ પ્રકારની બીક ન હોય એવી રીતે તેઓ ગુનાઓને અંજામ આપી રહ્યા છે. ત્યારે મહેસાણા જિલ્લાના મિની યુપી ગણાતા કડીમાં સ્વિફ્ટ ગાડીમાં સવાર થઈને આવેલા ત્રણ લૂંટારૂઓ એક ટ્રક ચાલકને રોકી ચપ્પાના ઘા મારી રૂ. 25 હજારની લૂંટ કરી ફરાર થયા છે.

મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં ગઈકાલે મંગળવારે રાત્રે એક લૂંટની ઘટના બની હતી. જેમાં ટ્રક નં. RJ7GA7199નો ચાલક પોતાની ટ્રક લઈને કડીની રાજેશ્વરી જીનીંગ ફેક્ટરીમાંથી કપાસિયાનો ખોળ ભરી બીકાનેર જવા નીકળ્યો હતો. જ્યાં કડીથી નંદાસણ જતા રોડ પર ડી રાજા કંપની સામે ટ્રકની પાછળથી એક નંબર વિનાની સ્વિફ્ટ ગાડીએ આવીને ટ્રકને ઓવરટેક કરી હતી.

જ્યાં ગાડીમાં સવાર ત્રણ ઈસમોએ ટ્રક ડ્રાઇવરને કહ્યું હતું કે તેઓ લોનવાળા છે. તમારી ગાડીના હપ્તા ચડ્યા છે તેમ કહી શખ્સોએ ટ્રક ચાલકનો મોબાઇલ પડાવી લીધો હતો. તેમજ ટ્રક ડ્રાઇવરને ધક્કો મારી એક ઈસમ ટ્રક ચલાવી નંદાસણ રોડ પર લઇ જઇ ફરી ટ્રક કડી તરફ લઇ આવ્યા હતા.

જ્યાં એક લૂંટારૂએ ટ્રક ડ્રાઇવરના હાથે ચપ્પાના ઘા મારી ડ્રાઇવરના ખિસ્સામાંથી 25 હજાર રૂપિયા લૂંટી સ્વિફ્ટ ગાડી લઇ ફરાર થઈ ગયા હતા. જ્યારે એક ઈસમ ટ્રક ડ્રાઇવરને ચપ્પાના ઘા મારી રહ્યો હતો ત્યારે બીજો લૂંટારૂએ એક લૂંટારૂને કહ્યું હતું કે "રેન્ચો ખભા પર ચપ્પુ મારીશ નહિ, તેના શરીરે ચપ્પુ માર" આ દરમિયાન એક લૂંટારૂનું નામ ટ્રક ડ્રાઇવર સાંભળી જતા તેને નામ યાદ રહી ગયું હતું. જેથી હાલમાં કડી પોલીસ મથકમાં ટ્રક ડ્રાઇવર દેવકિશન કુલડીયાએ લૂંટ કરવા આવેલા રેન્ચો અને તેની સાથે આવેલા 2 અજાણ્યા ઈસમો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...